આઠમા ધોરણમાં ભણતા છોકરાએ યુટ્યુબ જોઈને ૧૮૦૦ રૂપિયામાં રોબોટિક ટ્રૅક્ટર બનાવ્યું

24 September, 2026 06:22 PM IST  |  Deoria | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશના દેવરિયાના ધોરણ ૮ના કિશન પ્રજાપતિએ યુટ્યુબ પરથી ઇલેક્ટ્રૉનિક મશીન ચલાવવાની ટેક્નિક શીખીને માત્ર ૧૮૦૦ રૂપિયામાં રિમોટથી ચાલતું ટ્રૅક્ટર બનાવ્યું. તેણે ગિયર, મોટર, બૅટરી અને ઍલ્યુમિનિયમથી તેનું મૉડલ તૈયાર કર્યું.

રિમોટ કન્ટ્રોલ ટ્રૅક્ટર

ઉત્તર પ્રદેશના દેવરિયામાં આઠમા ધોરણમાં ભણતા કિશન પ્રજાપતિ નામના છોકરાએ ઇન્ટરનેટ અને યુટ્યુબ જોઈ-જોઈને એવું ક્રીએશન કરી નાખ્યું કે ઇન્ટરનેટ પર એની સર્જનાત્મકતા છવાઈ ગઈ. ગામના કોઈ મેળામાં ફરવા ગયેલો ત્યારે કિશનને કોઈકે રમકડાનું ટ્રૅક્ટર આપ્યું હતું. આ ટ્રૅક્ટર ચાવીથી ચાલતું હતું. કુતૂહલવશ તેણે એ ટ્રૅક્ટર ખોલી નાખ્યું અને એ કઈ રીતે ચાલે છે એ ડીકોડ કર્યું. આ પ્રોસેસ દરમ્યાન તેને થયું કે આવું જ રિમોટથી ચાલતું ટ્રૅક્ટર બનાવ્યું હોય તો કેવું? માત્ર આ વિચારથી જ કામ ચાલે એમ નહોતું. આવું જ ટ્રૅક્ટર બનાવવું હોય તો એની ટેક્નિક કઈ રીતે જાણવી? તેણે યુટ્યુબનો સહારો લીધો. યુટ્યુબના વિડિયો પરથી ઇલેક્ટ્રૉનિક મશીનો રિમોટથી ઑપરેટ કરવાની ટેક્નિક શીખી. એ ટેક્નિક પરથી તેણે ટ્રૅક્ટરનું મૉડલ તૈયાર કર્યું. એમાં ગિયર, મોટર, ૧૨ વૉલ્ટની બે બૅટરી, ઍલ્યુમિનિયમનું બૉડી, પીવીસીની પાઇપો અને રબરમાંથી જાતે ટાયર કાપીને તૈયાર કર્યાં. રિમોટથી ચાલતા આ ટ્રૅક્ટરમાં સ્ટીઅરિંગ ફેરવવા અને પાછળનું ટ્રેલર ઊંચકવા માટે અલગ-અલગ મોટર લગાવી છે.  
આ બધા માટે તેણે માત્ર ૧૮૦૦ રૂપિયાનો ખર્ચ કર્યો છે. અલબત્ત, આ ટ્રૅક્ટર રિયલ સાઇઝનું નહીં પણ પ્રોટોટાઇપ જેવું છે. 

uttar pradesh technology news tech news offbeat news hatke news