રેસ્ટોરાંમાં કસ્ટમરે બિલની રકમ કરતાં ૪૦૦ ગણી ટિપ આપી

25 June, 2021 12:36 PM IST  |  New Hampshire | Gujarati Mid-day Correspondent

શરૂમાં તો હોટેલના સ્ટાફને લાગ્યું કે ગ્રાહકે ભૂલથી આટલી મોટી રકમ મુકી દીધી હશે

બિલ

કોવિડ-19ની મહામારી અને લૉકડાઉનને કારણે અન્ય ઉદ્યોગો સહિત રેસ્ટોરાં ઉદ્યોગ પર પણ ઘણી માઠી અસર પડી છે. હવે ધીમે-ધીમે ખાણી-પીણીના સ્ટૉલ કે રેસ્ટોરાં ખૂલી રહ્યાં છે. રેસ્ટોરન્ટના કર્મચારીઓ પણ તેમના ગ્રાહકોને ખુશ કરવા બનતા પ્રયાસ કરી રહ્યા છે. આવામાં તેમની પ્રશંસા કે સરાહના કરવા લેવાયેલું એક નાનું પગલું પણ તેમના આનંદ-ઉત્સાહમાં ભારે વધારો લાવી શકે છે.

ન્યુ હૅમ્પશરના લંડનબેરીમાં આવેલા સ્ટમ્બલ ઇન બાર ઍન્ડ ગ્રિલમાં એક ગ્રાહકે ૧૬,૦૦૦ ડૉલર (લગભગ ૧૧,૮૭,૨૩૩ રૂપિયા)ની ટિપ મૂકી હતી. શરૂમાં તો હોટેલના સ્ટાફને લાગ્યું કે ગ્રાહકે ભૂલથી આટલી મોટી રકમ મુકી દીધી હશે. જોકે ગ્રાહકે પૂરી સભાનતા સાથે રેસ્ટોરાંના કર્મચારીઓના હાર્ડ વર્કને બિરદાવવા ટિપની રકમ મૂકી હોવાનું જાણ્યા બાદ તેઓ અચંબિત થયા હતા.

ગ્રાહકે બે ચિલી ડૉગ્સ, ફ્રાઇડ પિકલ ચિપ્સ અને ડ્રિન્ક્સનો ઑર્ડર કર્યો હતો; જેનું બિલ ૩૭.૯૩ ડૉલર (લગભગ ૨૮૧૪.૪૮ રૂપિયા) થયું હતું, જેની સામે ગ્રાહકે બિલની રકમની ૪૦૦ ગણી રકમ એટલે કે ૧૬,૦૦૦ ડૉલરની ટિપ આપી હતી. રેસ્ટોરાંના માલિકે ટિપની રકમ તેના કર્મચારીઓમાં વહેંચી દેવાનો નિર્ણય લીધો હતો.

offbeat news international news england