ચીનના વિદ્યાર્થીઓએ એવો કોટ બનાવ્યો જે પહેરવાથી તમે કૅમેરામાં ઓળખાતા નથી

14 December, 2022 11:00 AM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

કસ્ટમાઇઝ કૅમો પ્રિન્ટ્સ દિવસના સમયે કૅમેરામાં ઝડપાતી નથી,

ચીનના વિદ્યાર્થીઓએ એવો કોટ બનાવ્યો જે પહેરવાથી તમે કૅમેરામાં ઓળખાતા નથી

વિશ્વમાં સૌથી વધારે જેના નાગરિકો પર નજર રાખવામાં આવતી હોય તો એ દેશ છે ચીન. ત્યાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ કૅમેરાની મદદથી કર્મચારી કેટલી વખત ટૉઇલેટ જાય છે એનાથી માંડીને સ્ટુડન્ટ ક્લાસમાં કેટલું ધ્યાન આપે છે એ જાણવા માટે પણ કૅમેરાનો ઉપયોગ કરવામાં આવે છે. ગમે એટલી નજર રાખવામાં આવતી હોય, પણ એ પૂરતી હોતી નથી. ચીનના ગ્રૅજ્યુએટ વિદ્યાર્થીઓના એક જૂથે તાજેતરમાં એક એવી શોધ કરી છે જેમાં સર્વેલન્સ કૅમેરા પણ તે વ્યક્તિની હાજરીને ઓળખી શકતો નથી. આને ઇન્વિસડિફેન્સ નામ આપવામાં આવ્યું છે. સામાન્ય કોટ જેવો દેખાતો આ ડ્રેસ પહેરો તો તે વ્યક્તિ એઆઇ સર્વેલન્ટ કૅમેરામાં ઓળખાતી નથી. કસ્ટમાઇઝ કૅમો પ્રિન્ટ્સ દિવસના સમયે કૅમેરામાં ઝડપાતી નથી, તો રાતના સમયે અલગ-અલગ પ્રકારનાં તાપમાન બહાર ફેંકે છે, જે સર્વેલન્સ કૅમેરાના થર્મલ ઇમેજિંગ સેન્સરને ગૂંચવી નાખે છે. આ પ્રોડક્ટ બનાવવા પાછળ વિદ્યાર્થીઓએ ઘણી મહેનત કરી છે, જે કૅમેરાની દૃષ્ટિને બિનઅસરકારક બનાવી દે છે. 

સાઇબર સિક્યૉરિટી ક્ષેત્રે નવી શોધને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે રાખવામાં આવેલી હવાઈ કપ સ્પર્ધામાં પ્રથમ ઇનામ જીતનાર વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટનો સૌથી મોટો પડકાર એ હતો કે એવી સિસ્ટમ બનાવવી જે માણસ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ બન્નેને મૂર્ખ બનાવી શકે. આ શોધ ચીનની સરકારની દમનકારી કૅમેરા સર્વેલન્સ સિસ્ટમ સામે લડવાની રીત જેવું લાગે છે, પરંતુ એના શોધક આ વાત સ્વીકારતા નથી. આ કોટની કિંમત માત્ર ૫૦૦ યુઆન (અંદાજે ૫૮૭૪ રૂપિયા) છે.

offbeat news china beijing international news