આ છે જીવતોજાગતો ફુવારો

29 March, 2024 11:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સતત ૬ મિનિટ સુધી મોઢામાંથી પાણીનો ફુવારો કાઢીને ચીની યુવકે બનાવ્યો વર્લ્ડ રેકૉર્ડ

વાઇરલ વિડિયોની તસવીર

૩૫ વર્ષના એક ચાઇનીઝ યુવકે માન્યામાં ન આવે એવું કામ કરીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. મા હુઇ નામના આ ભાઈએ મોઢામાંથી મિનિટો સુધી ફુવારો કાઢીને લોકોને આશ્ચર્યમાં નાખી દીધા હતા. મા હુઇએ લગભગ ૬ મિનિટ સુધી સતત મોઢામાંથી પાણીની ધાર વહાવીને સૌથી લાંબો સમય વૉટર-સ્પ્રે કરવાનો નવો રેકૉર્ડ બનાવ્યો હતો. નવાઈની વાત એ છે કે મા હુઇએ પાછલો રેકૉર્ડ તોડ્યો એ માત્ર ૫૬.૩૬ સેકન્ડનો હતો, જે ઇથિયોપિયાની એક વ્યક્તિએ બનાવ્યો હતો. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નામ નોંધાવવા વ્યક્તિએ સતત મોઢામાંથી પાણીની ધાર કરવાની હોય છે અને જેવી આ જલધારા તૂટે કે બંધ થાય, રેકૉર્ડનો પ્રયાસ ત્યાં પૂરો થાય છે. મા હુઇએ આ રેકૉર્ડ બનાવવા માટે ૪.૫ લીટર પાણી પીધું હતું અને અદ્ભુત મસલ કન્ટ્રોલ બતાવીને પાંચ મિનિટ અને ૫૧.૮૮ સેકન્ડ સુધી પાણીની ધાર કરી હતી. વૉટર સ્પ્રાઉટિંગ એ ૧૭મી સદીની ટેક્નિક છે જેમાં બહુ બધી માત્રામાં માંસપેશીઓને કન્ટ્રોલ કરીને પાણી પીવાનું હોય છે જેથી એ વધુ સમય મોઢામાં રહે.

offbeat videos offbeat news china guinness book of world records