Chief Happiness Officer Dog: આ કોઈ જેવો તેવો ડૉગ નથી, કંપનીનો CHO છે! એવું શું કામ કરે છે ઓફિસમાં?

30 May, 2025 06:50 AM IST  |  Hyderabad | Gujarati Mid-day Online Correspondent

Chief Happiness Officer Dog: કંપનીએ પોતાના કર્મચારીઓને વધુ સક્રિય બનાવવા ડેનવર નામના ગોલ્ડન રિટ્રીવર ડૉગને પોતાની કંપનીમાં નિયુક્ત કર્યો

વાયરલ તસવીર

Chief Happiness Officer Dog: સોશિયલ મીડિયા પર આ ન્યૂઝ વાયરલ થયા છે. હૈદરાબાદ સ્થિત એક સ્ટાર્ટઅપે કંપનીએ ડૉગને ચીફ હેપીનેસ ઓફિસર (સીએચઓ.) તરીકે નિયુક્ત કર્યો છે. આ ડૉગણી જ ચર્ચા સોશિયલ મીડિયામાં ચાલી રહી છે. 

વાત એમ છે કે આ કંપનીએ પોતાના કર્મચારીઓને વધુ સક્રિય બનાવવા, હસાવવા અને એન્ટરટેન કરવા માટે ડેનવર નામના ગોલ્ડન રિટ્રીવર ડૉગને પોતાની કંપનીમાં નિયુક્ત કર્યો છે. હાર્વેસ્ટિંગ રોબોટિક્સ નામની કંપનીના કો-ફાઉન્ડર રાહુલ અરેપાકાએ તેમની ટીમના આ નવા સભ્ય વિશેની માહિતી લિંક્ડઇન પર એક પોસ્ટ દ્વારા શેર કરી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયામાં આ ડૉગ છવાઈ ગયો છે.

રાહુલ અરેપાકાએ પોતાની કંપનીમાં આવેલા આ નવા મહેમાન વિષેની પોસ્ટમાં લખ્યું હતું કે-  "અમારા નવા કર્મચારીને ડેનવરને મળો. તે ચીફ હેપ્પીનેસ ઓફિસર (Chief Happiness Officer Dog)ના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. ઓફિસમાં તેઓને કોઈ પણ બાબતની ચિંતા કરવાની જરૂર નથી. તેઓ માત્ર આવે છે, દિલ જીતી લે છે અને આખી ઓફિસમાં એનર્જી બરકરાર રાખે છે. આ સાથે, અમે કહી શકીએ કે અમારી ઓફિસ પેટ-ફ્રેડલી પણ બની ગઈ છે. ડેનવરને ઓફિસમાં લઈ આવવો એ અમારા દ્વારા લેવાયેલો ઉત્તમ નિર્ણય છે.

અને વાત પણ એવી જ છે કે આ ડેનવર (Chief Happiness Officer Dog)ને અહીં ઓફિસમાં કોઈ કોડિંગ નથી કરવું પડતું. નથી કોઈ મિટિંગ્સ ભરવી પડતી. ડેનવર પાસે ન તો લેપટોપ છે, ન તો તેણે કોઈ પ્રેઝન્ટેશન આપવાના છે. માત્ર તેની નિર્દોષતા અને મૈત્રીપૂર્ણ સ્વભાવ જ સમગ્ર ઓફિસમાં હાસ્ય અને આનંદ લઈ આવે છે.

ઓફિસમાં ડેનવરની નિમણૂક કરવામાં આવ્યા બાદ કર્મચારીઓમાં કામ માટે ઉત્સાહ વધ્યો છે. સોશિયલ મીડિયા પર હજારો લોકો આ અંગે પોતાની કમેન્ટ્સ મૂકી રહ્યા છે. ઘણાએ એવું કહ્યું કે આવા પેટ્સ ઓફિસની પ્રોડક્ટિવિટી પણ વધારી શકે છે. તો ઘણા કહે છે કે ડેનવર જેવા કર્મચારીઓ ઓફિસનો થાક અને તણાવ ઘટાડીને કાર્યસ્થળને વધુ આરામદાયક અને સુખદ બનાવી શકે છે.

એક યુઝરે લખ્યું છે કે, "તે પરેશાન લાગી રહ્યો છે” જેના પર કોઈએ જવાબ આપ્યો હતો કે "તે  હાલમાં ઓફિસ ઇન્ટરવ્યૂમાં બેઠો છે".

ડેનવર (Chief Happiness Officer Dog)ની લિંક્ડઇન પ્રોફાઇલ પણ બનાવવામાં આવી છે અને તેમાં લખેલું છે, "શું હું સીઇઓ બની શકું?"

એક મહાશયે તો એવું લખ્યું છે કે - "જો મારી ઓફિસમાં આવું હોય તો હું તો ક્યારેય રજા ન પાડુ” 

તો કોઈ લખે છે કે- "જ્યારે તમે ઓફિસમાં કામ કરવા માંગતા હોવ ત્યારે આનંદ અને માત્ર આનંદ માટે આવા પાર્ટનર હોવા જોઈએ”

offbeat news national news india hyderabad social media social networking site