આ બિલાડીને તો ઑલિમ્પિક્સ જોવાનો જલસો પડી ગયો

01 August, 2021 11:36 AM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

વૈશ્વિક રમતોત્સવ માટેનાં આકર્ષણ અને અહોભાવ કોઈ પણ સંજોગોમાં અસાધારણ હોય છે

બિલાડી

રોગચાળા વચ્ચે ટોક્યો ઑલિમ્પિક્સને કેવો પ્રતિસાદ મળશે એ સવાલ લોકોના મનમાં રમતો હતો, પરંતુ આ વૈશ્વિક રમતોત્સવ માટેનાં આકર્ષણ અને અહોભાવ કોઈ પણ સંજોગોમાં અસાધારણ હોય છે એના પુરાવા આપણને હાલમાં મળી રહ્યાં છે. ભારતની એક નાનકડી બાળકીએ વેઇટલિફ્ટિંગમાં રજત ચંદ્રક મેળવનાર મીરાબાઈ ચાનુની નકલ કરી હતી એનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો અને પ્રિન્ટ તથા ઇલેક્ટ્રૉનિક મીડિયામાં પણ લોકપ્રિય થયો. ટોક્યો ઑલિમ્પિક્સની ઘટનાઓ, વિક્રમો, દૃશ્યો વગેરે માણસોની સાથે પ્રાણીઓ પણ માણી રહ્યાં છે. તાજેતરમાં સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલા વિડિયોમાં એક બિલાડી જિમ્નૅસ્ટિક ઇવેન્ટ જોવામાં એવી પરોવાઈ ગયેલી જોવા મળે છે કે લોકોને એ જોવાની મોજ પડે છે. ટીવીમાં ઑલિમ્પિક્સની સ્પર્ધામાં એક ઍથ્લીટ થાંભલા પર ઝૂલતી-ઝૂલતી ફુલ રાઉન્ડ હીંચકા ખાય છે એ જોઈને બિલાડી તેને આધાર આપવાના ઇરાદાથી સ્ક્રીન પર પંજો મૂકે છે. ત્યાર પછી ઍથ્લીટ જેમ પર્ફેક્ટ ગોળ રાઉન્ડમાં ઝૂલતી જાય એમ એમ બિલાડી પણ તેનું મોઢું-માથું ગોળ-ગોળ ફેરવતી જોવા મળે છે. અત્યાર સુધીમાં એ વિડિયોના ૮,૬૩,૫૦૦ વ્યુઝ નોંધાયા છે.

offbeat news international news japan tokyo olympics 2020