25 October, 2026 12:56 PM IST | Chennai | Gujarati Mid-day Correspondent
રિક્ષા લઈને લંડન પહોંચ્યું બ્રિટિશ દંપતી
સામાન્ય રીતે વિદેશથી ભારત આવતા પ્રવાસીઓ અહીંથી ચા, મસાલા કે હૅન્ડિક્રાફ્ટની વસ્તુઓ યાદગીરીરૂપે લઈ જતા હોય છે; પરંતુ બ્રિટનથી આવેલા હેલન અને મિક નામના દંપતીને ભારતના પ્રવાસ દરમ્યાન એવી ચીજનો મોહ લાગી ગયો કે તેઓ સીધી ભારતીય ઑટોરિક્ષા જ જહાજમાં લાદીને લંડન લઈ ગયાં. આ દંપતીએ ચેન્નઈથી લાલ રંગની એક ઑટોરિક્ષા ખરીદી હતી અને એમાં બેસીને ૭૫ દિવસમાં આખા દેશમાં ૪૨૧૮ કિલોમીટરનો પ્રવાસ ખેડ્યો હતો. પ્રવાસ પૂરો થતાં આ રિક્ષા પ્રત્યે એટલો લગાવ થઈ ગયો કે એને ભારતમાં છોડવાને બદલે દરિયાઈ માર્ગે કાર્ગો શિપ દ્વારા બ્રિટન પહોંચાડી દીધી.
દંપતીએ તામિલનાડુના ચેન્નઈથી ‘TN 03 AA 4342’ નંબરની લાલ રંગની એક રિક્ષા ખરીદી હતી. એના પર કાર્ટૂન જેવી આંખો અને સ્માઇલ દોરીને એનું નામ ‘ટિમી ધ ટિન કૅન’ રાખ્યું હતું. એમાં તેઓ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, આગરાનો તાજમહલ અને ગોવાના બીચ સહિત ભારતમાં ખૂબ ફર્યા. કુલ ૪૨૧૮ કિલોમીટર અંતરની આ થ્રી-વ્હીલરમાં સવારી માટે તેમણે ‘ટુક-ટુક’ના નામે ઇન્સ્ટાગ્રામ પર સ્પેશ્યલ અકાઉન્ટ પણ બનાવ્યું હતું, જેના પર હજારો ફૉલોઅર્સ છે. જ્યારે વતન પાછા ફરવાનો સમય આવ્યો ત્યારે રિક્ષા પ્રત્યેના લગાવને કારણે તેઓ એને વેચવા કે છોડવા તૈયાર ન થયાં અને એને શિપિંગ કન્ટેનરમાં બુક કરાવી દીધી.
હાલમાં આશરે ૬ મહિનાની લાંબી દરિયાઈ મુસાફરી બાદ આ ભારતીય રિક્ષા લંડનના પોર્ટ પર પહોંચી હતી.