૧૧૫૨ રૂપિયામાં ખરીદવામાં આવેલું બૉક્સ ૯.૬૦ લાખમાં કેમ વેચાયું?

11 August, 2022 12:09 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

બૉક્સ વાસ્તવમાં લુઈ વિત્તોંનું એક દુર્લભ વિત્તોં સ્ટોરેજ કન્ટેનર હતું

લુઈ વિત્તોંનું દુર્લભ વિત્તોં સ્ટોરેજ કન્ટેનર

માત્ર ૧૨ પાઉન્ડ (લગભગ ૧૧૫૨ રૂપિયા)માં  ખરીદવામાં આવેલું એક જૂનું અને દુર્લભ બૉક્સ એક પિતાએ તેના પહેલા ફ્લૅટમાં રહેવા જતી પુત્રીને ભેટ આપ્યું હતું. જોકે આ બૉક્સ વાસ્તવમાં લુઈ વિત્તોંનું એક દુર્લભ વિત્તોં સ્ટોરેજ કન્ટેનર હતું. 

પિતાએ તેની પુત્રી મેલિસાને સ્ટોરેજ તરીકે વાપરવા આપવા માટે લંડનના ટ્વિકેનહામ નજીક સેન્ટ માર્ગરેટ ગામમાં આવેલી બ્રિક-એ-બ્રેકની દુકાનમાંથી આ બૉક્સની ખરીદી કરી હતી. બૉક્સનું મૂલ્ય ખબર નહોતી ત્યાં સુધી લગભગ દાયકાઓથી મેલિસા એમાં ચાદર અને શણ રાખતી હતી. ગયા વર્ષે મેલિસા આ બૉક્સને ઍન્ટિક રોડ-શોમાં લઈ ગઈ હતી. અહીં તેને આ બૉક્સ દુર્લભ લગભગ ૧૦૦ વર્ષ જૂનું લુઈ વિત્તોંનું બૉક્સ હોવાનું તથા એની કિંમત હજારો પાઉન્ડ હોવાનું જાણવા મળ્યું હતું. 

૫૬ વર્ષની મેલિસાએ તેની બિલાડીઓથી બચાવવા આ ટ્રન્કને વેચવાનો નિર્ણય કરતાં એના તેને ૧૦,૦૦૦ પાઉન્ડ (લગભગ ૯.૬૦ લાખ રૂપિયા) ઊપજ્યા હતા. 

આ ટ્રન્કની ​કિંમત લંડનમાં હેન્સન્સ ઑક્શનિયર્સે ૭૩૦૦ પાઉન્ડ (લગભગ ૭ લાખ રૂપિયા) અંદાજી હતી. જોકે ખરીદનારના પ્રીમિયમ સાથે એની કિંમત ૯૪૯૦ પાઉન્ડ (લગભગ ૯.૧૧ લાખ રૂપિયા)સુધી પહોંચી હતી.

મેલિસાએ કહ્યું હતું કે તેના ઘરમાં બિલાડીઓ પાળી છે અને એ ટ્રન્કને નખ મારીને બગાડે નહીં તેથી એને વેચવાનો નિર્ણય લીધો હતો.

offbeat news international news london