11 September, 2025 01:13 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં ભગતા નગલા નામે એક ગામમાં છેલ્લાં ૧૦૦ વર્ષથી કોઈએ પોતાના પૂર્વજોનું શ્રાદ્ધ નથી કર્યું
ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં ભગતા નગલા નામે એક ગામ છે. ખૂબ ઓછી વસ્તી ધરાવતા આ ગામમાં છેલ્લાં લગભગ ૧૦૦ વર્ષથી કોઈએ પોતાના પૂર્વજોનું શ્રાદ્ધ નથી કર્યું. આની પાછળનું કારણ એક બ્રાહ્મણનો શ્રાપ હોવાનું મનાય છે. લોકવાયકા કહો કે માન્યતા, વાત એમ છે કે ૧૦૦ વર્ષ પહેલાં નજીકના ગામમાંથી એક મહિલા બ્રાહ્મણ એક પરિવારમાં શ્રાદ્ધ વિધિ કરાવવા માટે ભગતા નગલા ગામમાં આવી હતી. જોકે એ પછી ગામમાં એટલો મુશળધાર વરસાદ વરસ્યો કે ગામમાંથી બહાર જવું મુશ્કેલ થઈ ગયું. વિધિ કરાવવા આવેલી મહિલા બ્રાહ્મણ પણ એ જ કારણોસર ગામમાં અટકી પડી. થોડા દિવસ બાદ મહિલા પોતાના ગામે ગઈ તો તેના પતિએ તેને ચરિત્રહીન ગણાવી. એ જમાનામાં મહિલા દિવસો સુધી એકલી અજાણ્યા ગામમાં રહે એ વાત પતિના ગળે ન ઊતરતાં તેણે પત્નીને ચરિત્રહીન ઠેરવીને ઘરમાંથી બહાર કાઢી મૂકી. તે ભગતા નગલા ગામ પાછી આવી. તેને લાગતું હતું કે આ ગામના લોકોની શ્રાદ્ધ કર્મની વિધિ કરાવવાથી આ પાપ તેના માથે લાગ્યું છે. તેણે ગામલોકોને શ્રાપ આપ્યો કે હવે જો કોઈ આ ગામમાં શ્રાદ્ધ કરશે તો તેને પાપ લાગશે અને તેની સાથે મોટી અનહોની થશે. ગામલોકો આ મહિલાની પીડા સમજી શક્યા અને તેમણે પણ આ શ્રાપ માથે લઈ લીધો. ત્યારથી આ ગામમાં કોઈ પિતૃપક્ષમાં શ્રાદ્ધકર્મ નથી કરતું. પિતૃપક્ષ દરમ્યાન ગામમાં કોઈ બ્રાહ્મણને પ્રવેશ નથી અપાતો કે નથી બ્રાહ્મણોને દાન અપાતું.