12 March, 2026 01:01 PM IST | China | Gujarati Mid-day Correspondent
યંગ ઍક્ટ્રેસ ઝૅન્ગ જિન્ગ્યી
સામાન્ય રીતે કોઈ ફિલ્મ ફેસ્ટિવલની રેડ કાર્પેટ ઇવેન્ટમાં સુંદરીઓ લાંબા ગાઉન, અળવીતરી હેરસ્ટાઇલ અને હાઈ હીલ પહેરીને હાથમાં ટચૂકડું ક્લચર લઈને નીકળતી હોય છે. આ ખૂબ જ પ્રેડિક્ટેબલ દૃશ્ય છે. જોકે ચીનમાં બીજિંગ ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં કંઈક અજુગતું જ જોવા મળ્યું. આ અલગ તરી આવવાનું કામ કર્યું હતું ચાઇનીઝ પ્રિન્સેસ તરીકે ઓળખાતી ઝૅન્ગ જિન્ગ્યી નામની યંગ ઍક્ટ્રેસે. તે બ્લૅક કલરના સિમ્પલ ગાઉનમાં રેડ કાર્પેટ પર આવી હતી. ગાઉન પર એક ખભા પર થ્રી-ડી ફૂલ ઊપસી આવેલું હતું. એકદમ એલિગન્ટ ડ્રેસની સાથે તેના હાથમાં પ્લાસ્ટિકની એક ઝભલા થેલી હતી. હા, આ એવી જ થેલી હતી જેને આપણે ત્યાં બૅન કરી દેવામાં આવી છે. આછા પીળા રંગની પ્લાસ્ટિકની મોટી ઝભલા થેલી કોઈ માર્કેટની નહીં, બૅલેન્શિયા નામની બ્રૅન્ડની હતી. બૅલેન્શિયાએ આવી જ ટ્રૅશ બૅગ બહાર પાડી છે જેની કિંમત ૧૭૯૦ ડૉલર એટલે કે લગભગ એક લાખ ૬૪ હજાર રૂપિયાથી વધુ છે. ફૅશન-નિષ્ણાતોનું કહેવું છે કે જ્યારે તમારી પાછળ એક મોટી ટીમ કામ કરી રહી હોય ત્યારે રેડ કાર્પેટ પર પર્ફેક્ટ દેખાવું ખૂબ સરળ છે, પરંતુ ગાર્બેજ બૅગ લઈને નીકળવા માટે કૉન્ફિડન્સ જોઈએ જે ઝૅન્ગ પાસે છે.