કોવિડ-પૉઝિટિવ સસરાને ખભે ઊંચકીને હેલ્થ સેન્ટર લઈ ગઈ તેમની દીકરાવહુ

11 June, 2021 11:41 AM IST  |  Assam | Gujarati Mid-day Correspondent

આસામના નાગાંવ જિલ્લાના રાહા શહેરમાં ૭૫ વર્ષના થુલેશ્વર દાસને તેમની પુત્રવધૂ નિહારિકા ખભે ઉપાડીને હૉસ્પિટલ લઈ જતી હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે.

કોવિડ-પૉઝિટિવ સસરાને ખભે ઊંચકીને હેલ્થ સેન્ટર લઈ ગઈ તેમની દીકરાવહુ

આસામના નાગાંવ જિલ્લાના રાહા શહેરમાં ૭૫ વર્ષના થુલેશ્વર દાસને તેમની પુત્રવધૂ નિહારિકા ખભે ઉપાડીને હૉસ્પિટલ લઈ જતી હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે.

નિહારિકાએ જણાવ્યું હતું કે ‘બીજી જૂને મારા સસરાને કોવિડનાં લક્ષણો હોવાનું જણાયું હતું. રાહામાં સૌથી નજીકનું કમ્યુનિટી હેલ્થ સેન્ટર બે કિલોમીટર દૂર છે. સસરાને ત્યાં લઈ જવા માટે મેં રિક્ષા બોલાવી હતી, પરંતુ મારા રસ્તાનો ઘર સુધીનો અમુક ભાગ કાચો છે એથી રિક્ષા છેક બારણે પહોંચી શકતી નથી. મારા સસરા સાવ નબળા થઈ ગયા હોવાથી ચાલી શકતા નહોતા. મારા પતિ હાલમાં સિલિગુડીમાં નોકરી કરતા હોવાથી ત્યાં રહે છે. એથી હું ખૂબ દૂર ઊભી રાખેલી રિક્ષા સુધી સસરાને ખભે ઉપાડીને રિક્ષા સુધી લઈ ગઈ હતી. સસરાનો કોવિડ-રિપોર્ટ પૉઝિટિવ હોવાથી કમ્યુનિટી હેલ્થ સેન્ટરના ડૉક્ટરોએ તેમને ૨૧ કિલોમીટર દૂરની હૉસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી હતી. એથી મેં અન્ય ખાનગી કારની વ્યવસ્થા કરી હતી. ઍમ્બ્યુલન્સ તો ઠીક, સ્ટ્રેચર ઉપલબ્ધ નહોતું એથી એ કાર સુધી પણ હું તેમને ઉપાડીને લઈ ગઈ હતી. લોકો દૂરથી જોયા કરતા હતા, પરંતુ કોઈ નજીક આવતું નહોતું. મારા સસરા લગભગ બેભાન સ્થિતિમાં હતા એથી તેમને ઊંચકવા માટે ખૂબ માનસિક અને શારીરિક પરિશ્રમ કરવો પડ્યો હતો. અમારે સારવાર માટે બે-ત્રણ સ્થળે ભટકવું પડ્યું હતું. આખા દિવસમાં મેં લગભગ બે કિલોમીટર સુધી મારા સસરાને ઉપાડ્યા હશે, પરંતુ એક પણ ઠેકાણે કોઈએ મને મદદ કરવાનો પ્રયત્ન કર્યો નહોતો. થોડા દિવસ બાદ મારો કોરોના-ઇન્ફેક્શનનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. પાંચમી જૂને મારા સસરાની તબિયત વધારે કથળતાં તેમને ગુવાહાટી મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં ગયા સોમવારે ૭ જૂને તેઓ અવસાન પામ્યા હતા. મારા સસરાને મારે માટે બહુ લાગણી હતી. વારંવાર મને નાની વહુ, નાની વહુ  કહેતાં થાકતા નહોતા. તેઓ ભાનમાં હતા ત્યારે તેમને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરાયેલો ફોટો બતાવ્યો. તેમણે ચિંતા કરતાં કહ્યું હતું ‘અરે, લોકો આપણે માટે શું કહેશે?’ એ વખતે મેં કહ્યું કે લોકો આપણી પ્રશંસા કરે છે. એ વખતે તેમણે મને પૂછ્યું પણ ખરું કે મને ઊંચકવાની તાકાત તારામાં આવી કેવી રીતે?’’

offbeat news hatke news assam