25 August, 2025 09:06 AM IST | Argentina | Gujarati Mid-day Correspondent
ખેતર
આર્જેન્ટિનાની પૅમ્પાસ પર્વતમાળાની ઉપરથી પસાર થતા હો તો નજીકમાં જ એક જાયન્ટ ગિટાર પડેલી હોય એવું જણાશે. આ હકીકતમાં ખેતર છે અને એમાં ૭૦૦૦ વૃક્ષો દ્વારા ગિટાર શેપ ઉપસાવવામાં આવ્યો છે. પૅડ્રો માર્ટિન ઉરેટા નામના ખેડૂતભાઈની સંગીતપ્રેમી પત્ની ગ્રેસિએલાએ ખેતરના એક ભાગને ગિટાર આકારમાં તબદીલ કરવાનું સપનું જોયું હતું. તેમણે પતિ સાથે મળીને આ માટેનું આયોજન કરવાનું પણ શરૂ કર્યું, પરંતુ ૧૯૭૭માં તેમનું અચાનક નિધન થઈ ગયું. પત્નીની અધૂરી ઇચ્છાને આગળ વધારવાનું નક્કી કર્યું પૅડ્રોભાઈએ. ૧૯૭૯માં તેમણે શેપ મુજબ કઈ જગ્યાએ ક્યાં, કેવાં અને કેટલી માત્રામાં વૃક્ષો ઉગાડવાં એનું પ્લાનિંગ કર્યું. એમાં તેમનાં ચાર સંતાનો પણ જોડાયાં અને પાંચેય પરિવારજનોએ મળીને લગભગ એક સ્ક્વેર કિલોમીટરના ખેતરમાં સરુનાં ૭૦૦૦ વૃક્ષો ઉગાડ્યાં. એ વૃક્ષો ઉગાડ્યા પછી દર બે-ત્રણ વર્ષે એમને ટ્રિમ કરીને શેપ આપવાનું કામ પણ ચાલતું રહ્યું. હજી ૪૦ વર્ષ બાદ પણ આ ગિટાર શેપને મેઇન્ટેઇન કરવામાં આવે છે. પૅડ્રોભાઈ રહ્યા નથી, પરંતુ તેમનાં સંતાનોએ જમીન પર ઊગેલી ગિટારને જાળવી રાખી છે.