વર્ષમાં એક વાર બિહારનું આ આખું ગામ વનવાસ ભોગવે છે

07 May, 2025 11:42 AM IST  |  Patna | Gujarati Mid-day Correspondent

બિહારના બગહા તાલુકાના નૌરંગિયા ગામમાં એક અજીબોગરીબ પરંપરા સદીઓથી ચાલી આવે છે. આ ગામમાં વર્ષમાં એક ખાસ તિથિએ લોકો વહેલી સવારે પોતાનું ઘર છોડીને ગામની બહારના જંગલમાં જતા રહે છે.

નૌરંગિયા ગામ

બિહારના બગહા તાલુકાના નૌરંગિયા ગામમાં એક અજીબોગરીબ પરંપરા સદીઓથી ચાલી આવે છે. આ ગામમાં વર્ષમાં એક ખાસ તિથિએ લોકો વહેલી સવારે પોતાનું ઘર છોડીને ગામની બહારના જંગલમાં જતા રહે છે. આખો દિવસ તેઓ ગામની બહારના જંગલમાં જ રહે છે. આરામથી રહી શકાય એ માટે સાથે ચટાઈ, શેતરંજી, ખાવાનો કાચો સામાન વગેરે લઈને જાય છે અને ત્યાં જંગલમાં જ કાચા ચુલ્હા બનાવીને જમે છે.

સોમવારે એટલે કે વૈશાખ સુદ નોમના દિવસે નૌરંગિયા ગામની એકેએક વ્યક્તિ ગામ છોડીને વનમાં જતી રહી હતી. આ દિવસે બાળકોથી લઈને વૃદ્ધો સુધ્ધાં ઘર અને ગામ છોડીને નીકળી જાય છે. આ પ્રાચીન પ્રથા આજે પણ લોકો શિદ્દતથી નિભાવે છે. એવી માન્યતા છે કે એવું કરવાથી દેવીના પ્રકોપથી મુક્તિ મળે છે. લગભગ ૧૦૦થી વધુ વર્ષો પહેલાં આ પ્રથા પડી છે. એ વખતે ગામમાં ભીષણ આગના બનાવો બહુ બનતા હતા. આગ પછી ત્યાં ચેપી રોગચાળો ફાટી નીકળતો. વારંવાર ચેપી રોગોના વાવર ફાટી નીકળતા હોવાથી લોકો ત્રસ્ત હતા. એવામાં ગામમાં બાબા પરમહંસદાસજીએ આ આફતોને ટાળવા કઠોર સાધના કરી. સાધના દરમ્યાન તેમને સપનામાં ભગવાને આદેશ આપ્યો કે જો ગામલોકો વર્ષે એક દિવસ માટે આખું ગામ ખાલી કરી દે તો વારંવાર આવતી મુશ્કેલીઓ ટળી શકે છે. પરમહંસદાસજીના કહેવા પર ગામલોકોએ સીતાનવમીના દિવસે ગામ ખાલી કરીને આખો દિવસ જંગલમાં રહેવાનું પસંદ કર્યું અને એ પછી ગામ પર આવતી આપદાઓ જતી રહી. ત્યારથી દર વર્ષે સીતાનવમીની વહેલી સવારે પાંચ વાગ્યે ગામલોકો ઘર છોડી જાય છે. પોતાનાં પાળેલાં પ્રાણીઓ સુધ્ધાંને તેઓ લઈ જાય છે.

વાલ્મીકિ ટાઇગર રિઝર્વ પાસેના એક વિસ્તારમાં વહેલી સવારે પાંચ વાગ્યે ગામલોકો પહોંચી જાય છે. ત્યાં મા દુર્ગાની પૂજા કરે છે, ખાવાનું જાતે બનાવીને ખાય છે અને સાંજે પાંચ વાગ્યા પછી સૂરજ ઢળવાનું શરૂ થાય એટલે ગામ ભણી પાછા પ્રયાણ કરે છે.

નજીકમાં આવેલા દુર્ગા મંદિરના પૂજારીનું કહેવું છે કે પહેલાં તો લોકો ઘર અને ગામની બહાર નીકળતાં પહેલાં કોઈ ઘરે તાળું પણ નહોતા લગાવતા. જોકે હવે લોકો ઘરે તાળાં મારે છે. આ પરંપરા ગામલોકો માટે કોઈ ઉત્સવથી કમ નથી. પૂજા અને પિકનિક બન્ને થઈ જાય છે અને ગામની બહાર મેળા જેવો માહોલ બને છે. 

bihar culture news religion religious places offbeat news