27 April, 2025 12:03 PM IST | Amreli | Gujarati Mid-day Correspondent
૧૫ વર્ષથી ઘરના સભ્ય જેવા બની ગયેલા કાના બળદને પરિવારે ખેતરમાં જ સમાધિ આપીને ભજન-કીર્તન કર્યાં
અમરેલીના પ્રવીણ ડોબરિયા નામના ૫૦ વર્ષના ખેડૂતે તેમના ખેતરમાં જ ૧૫ વર્ષથી કામ કરતા કાના નામના બળદને સમાધિ આપી હતી. હવે ભલે ખેતર ખેડવા માટે ટ્રૅક્ટર કે મશીનોનો ઉપયોગ થતો હોય, પરંતુ હજીયે કેટલાક ખેડૂતોને ખેતીકામમાં ખભેખભા મિલાવીને મદદરૂપ થતા બળદ માટે ખૂબ લગાવ હોય છે. અમરેલીના કુકાવાવ તાલુકાના બરવાળા બાવીસી ગામના પ્રવીણ ડોબરિયા માટે કાના નામનો બળદ ઘરના સદસ્ય જેવો જ હતો. તેમની પાસે કાના અને સુદામા નામના બે બળદની જોડી હતી. હવે ઉંમર વધી જવાને કારણે કાનાનું શરીર સાથ નહોતું આપતું. છેલ્લાં બે વર્ષથી એ લગભગ નિષ્ક્રિય થઈ ગયો હતો અને તાજેતરમાં ઉંમરને કારણે જ એનો કુદરતી રીતે જ જીવ જતો રહ્યો. આ ઘટના પછી પ્રવીણભાઈના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ. તેમણે વર્ષોથી ઘરના જ સદસ્યની જેમ રહેલા કાનાને ખેતરમાં જ સમાધિ આપવાનું નક્કી કર્યું અને કાનાની સદ્ગતિ માટે ભજન-કીર્તનનો કાર્યક્રમ રાખ્યો. ભજનના કાર્યક્રમમાં લોકો દ્વારા અનાયાસ જ ૨૧,૦૦૦ રૂપિયાનો ફાળો એકઠો થઈ ગયો હતો. આ રકમનો ઉપયોગ ખેતીના જ કામમાં કરવો હતો એટલે તેમણે એમાંથી તળાવ ખોદવાનું નક્કી કર્યું છે.