04 February, 2026 01:18 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
બાળકના પેટમાં આખેઆખું રમકડું હતું એટલે ડૉક્ટરોએ તેને બેહોશ કરીને મોંમાં કૅમેરા સાથેના મશીનથી એન્ડોસ્કોપિક સર્જરી કરી હતી
અમદાવાદમાં દોઢ વર્ષનું એક બાળક રમતાં-રમતાં તેને આપવામાં આવેલું પ્લાસ્ટિકનું રમકડું ગળી ગયું હતું. આ રમકડું હતું પ્લાસ્ટિકનો હલ્ક. ખૂબ મિનિએચર સાઇઝનું હલ્ક ટૉય ગળામાં ફસાઈ જતાં બાળક ન તો રડી શક્યું ન કંઈ કહી શક્યું. જોકે તેના ચહેરાના બદલાયેલા હાવભાવ જોઈને માને લાગ્યું કે કંઈક તો ગરબડ છે. માએ બાળકને પાણી પીવડાવ્યું તો તરત તેને વૉમિટ થઈ ગઈ. બાળક જે રમકડાથી રમી રહ્યું હતું એમાંથી એક હલ્કનું ટૉય ગાયબ હતું એટલે માને શંકા ગઈ કે ક્યાંક એ તો દીકરો ગળી નથી ગયોને? તરત જ દીકરાને લઈને તેણે સિવિલ હૉસ્પિટલમાં પહોંચવાનું કામ કર્યું. ત્યાં એક્સ-રે કરતાં ખબર પડી કે ખરેખર રમકડું પેટમાં જતું રહ્યું છે. બાળકના પેટમાં આખેઆખું રમકડું હતું એટલે ડૉક્ટરોએ તેને બેહોશ કરીને મોંમાં કૅમેરા સાથેના મશીનથી એન્ડોસ્કોપિક સર્જરી કરી હતી અને પેટમાં છેક ઊંડેથી પ્લાસ્ટિકના હલ્કને બહાર ખેંચી કાઢ્યો હતો.