પોતાના જ નખમાંથી એકદમ યુનિક એન્ગેજમેન્ટ રિન્ગ માટેનો ડાયમન્ડ બનાવ્યો

28 October, 2019 09:19 AM IST  |  હૉન્ગ કૉન્ગ

પોતાના જ નખમાંથી એકદમ યુનિક એન્ગેજમેન્ટ રિન્ગ માટેનો ડાયમન્ડ બનાવ્યો

નખમાંથી બનાવ્યો હીરો

ચીજોને સાચવવાની, ખોલવાની, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની ટેક્નિક્સનાં વિડિયો આજકાલ યુટ્યુબ પર ધૂમ જોવાય છે. આવી ડુ ઇટ યૉરસેલ્ફ ટેક્નિકમાં માસ્ટર એવા કિવામી નામના ભાઈએ થોડાક મહિના પહેલાં પોતાના નખમાંથી કોઈએ કલ્પી પણ ન હોય એવી ચીજ બનાવવાનો વિડિયો અપલોડ કર્યો હતો. તેણે નખમાંથી વેડિંગ રિન્ગ માટેનો કાળો ડાયમન્ડ તૈયાર કર્યો હતો. આ માટે તેણે એક વર્ષ સુધી પોતાના નખ કાપીને એક ડબ્બીમાં સંઘરી રાખ્યા હતા. તે દર વખતે નખ કાપતાં પહેલાં જ નખની સફાઈ બરાબર કરી લેતો. એને કારણે નખની કતરીઓ પણ એટલી જ સ્વચ્છ રહેતી. એક વર્ષમાં લગભગ પચીસેક ગ્રામ જેટલો નખનો કચરો ભેગો થઈ ગયો એ પછી તેણે એને ક્રશ કરી નાખ્યા. પાણીમાં ભેળવીને એમાંથી પેસ્ટ જેવું બનાવ્યું અને પછી ડાયમન્ડ બનાવવા માટે નટબોલ્ટના એક મોલ્ડમાં મૂકીને પ્રેસ કરીને શેપ આપ્યો. શેપ કાયમી રહી જાય એ માટે એને ૧૫૦ ડિગ્રી સેલ્સિયસ પર બેક કરી નાખ્યો. એ મોલ્ડ ખોલતાં જ એમાંથી કાળા રંગનો એક પાસાદાર ડાયમન્ડ તૈયાર થઈ ગયો. તેણે એને જડવા માટે ચાંદીની એક રિન્ગ પણ તૈયાર કરાવી હતી. એમાં સોલિટેરની જગ્યાએ આ નખમાંથી બનાવેલો ડાયમન્ડ જડી દેવામાં આવ્યો. સસ્તી અને પોતાના પ્રેમથી ભરેલી એન્ગેજમેન્ટ રિન્ગ તૈયાર થઈ ગઈ. આ ઘટનાનો વિડિયો તાજેતરમાં હૉન્ગ કૉન્ગની એક ન્યુઝ એજન્સીના હાથમાં આવ્યો એ પછી ચીન અને હૉન્ગ કૉન્ગમાં ખૂબ વાઇરલ થઈ ગયો છે. કેટલાક લોકોને આ ભાઈને ક્રીએટિવિટી બહુ જ ગમી છે, જોકે કેટલાકનું કહેવું છે કે નખમાંથી હીરા બનાવવા પડે એવા કંગાળ થઈ જઈએ એવા દિવસો હજી નથી આવ્યા.

hatke news offbeat news