જૉબથી કંટાળેલા આ ભાઈએ ઑફિસના છેલ્લા દિવસે ઢોલના તાલે નાચીને મૅનેજરને કહ્યું, બાય-બાય

27 April, 2024 11:36 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

કેટલાક લોકો નોકરી મળ્યાની ખુશી સેલિબ્રેટ કરે છે એમ ન ગમતી નોકરી છોડ્યા બાદ પણ પાર્ટી કરે છે.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીનશૉટ

કેટલાક લોકો નોકરી મળ્યાની ખુશી સેલિબ્રેટ કરે છે એમ ન ગમતી નોકરી છોડ્યા બાદ પણ પાર્ટી કરે છે. આમ તો આવી પાર્ટીઓ કોઈ કૅફેમાં થાય છે, પણ પુણેમાં એક ભાઈ નોકરીથી એટલા કંટાળ્યા હતા કે છેલ્લો દિવસ ખાસ બનાવવા માટે ઑફિસની બહાર જ ઢોલના તાલે નાચવા માંડ્યા હતા. અનીસ ભગત નામના એક કન્ટેન્ટ-ક્રીએટરે ઇન્સ્ટાગ્રામ પર આ વિડિયો શૅર કર્યો હતો જેને હજારો લાઇક્સ અને વ્યુઝ મળ્યાં હતાં.

વિડિયોમાં અનિકેત નામનો યુવક કહે છે કે ‘મારા વર્કપ્લેસનું વાતાવરણ બહુ ઝેરીલું છે. ત્રણ વર્ષથી મારી સૅલેરીમાં પણ વધારો નથી થયો. મારા બૉસ મને રિસ્પેક્ટ નથી આપતા.’ 
અનિકેત અને તેના મિત્રોએ ‘જૉબ છોડવી, પણ સ્ટાઇલથી’ એવું નક્કી કર્યું અને ઑફિસની બહાર ઢોલ-નગારાં લઈને ઊભા રહી ગયા. જ્યારે કંપનીના મૅનેજર બહાર આવ્યા ત્યારે અનિકેત કહે છે, ‘સૉરી સર, બાય બાય...’ એ પછી અનિકેત અને તેના મિત્રો નાચવા માંડે છે. ચોંકી ગયેલો મૅનેજર કંઈ કરી ન શકતાં ગુસ્સામાં તેમને ત્યાંથી ચાલ્યા જવાનું કહે છે.

offbeat news pune national news india viral videos