યુકેમાં બે નહીં પણ ત્રણ જણના ડીએનએમાંથી જન્મ્યું બાળક

11 May, 2023 01:02 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

૨૦૧૫માં યુકેમાં આવાં બાળકોની સર્જરીને મંજૂરી આપવા માટે કાયદાઓ રજૂ કરાયા હતા

પ્રતીકાત્મક તસવીર

સંતાન માટે માતા-પિતાની જરૂર હોય છે પરંતુ યુકેમાં પહેલી વખત ત્રણ જણના ડીએનએનો ઉપયોગ કરીને બાળકને જન્મ આપવામાં આવ્યો છે. આ પ્રક્રિયામાં ૯૯.૮ ટકા ડીએનએ પેરન્ટ્સમાંથી લેવામાં આવે છે, જ્યારે બાકીના દાતા પાસેથી લેવામાં આવે છે. આવું કરવાને કારણે બાળકને અસાધ્ય એવા મિ​ટોકોન્ડ્રિયલ રોગથી બચાવી શકાય છે. મિ​ટોકોન્ડ્રિયલ ડોનેશન ટ્રીટમેન્ટ (એમડીટી) તરીકે જાણીતી આ ટેક્નિક આઇવીએફ એમ્બ્રિયો બનાવવા માટે તંદુરસ્ત સ્ત્રી દાતાઓના અંડાશયની પેશીનો ઉપયોગ કરે છે જેમાં હાનિકારક તત્ત્વો નથી હોતાં.

મિટોકોન્ડ્રિયલ રોગ અસાધ્ય છે, જે જન્મના અમુક કલાકો કે દિવસો સુધી જીવલેણ સાબિત થઈ શકે છે. મિ​ટોકોન્ડ્રિયા શરીરના કોષની અંદરનો એક નાનો ભાગ છે જે ખોરાકને ઉપયોગી ઊર્જામાં પરિવર્તિત કરે છે. જો એ ખામીયુક્ત હોય તો શરીરને ઊર્જા મળતી નથી, જેને કારણે મગજને નુકસાન થઈ શકે. અંધત્વ આવી શકે છે. અંદાજે ૬૦૦૦ બાળકોમાંથી એક મિટોકોન્ડ્રિયલ ડિસઑર્ડરથી પ્રભાવિત છે. ૨૦૧૫માં યુકેમાં આવાં બાળકોની સર્જરીને મંજૂરી આપવા માટે કાયદાઓ રજૂ કરાયા હતા. યુકેમાં પહેલી વખત દાન કરાયેલા કોષમાંથી મિટોકોન્ડ્રિયલ ખામી વગરના બાળકનો જન્મ થયો છે. આ કેસમાં માતાપિતા વિશે ગોપનીયતા રાખવામાં આવે છે, કારણ કે તેમને પોતાના પરિવારમાં જ આવી બીમારીનો અનુભ‍વ થયો હોય છે. ખામીગ્રસ્ત ડીએનએના બદલ દાનમાં મળેલા તંદુરસ્ત ડીએનએ મૂકવામાં આવે છે. યુકે વિશ્વનો પહેલો એવો દેશ બન્યો છે જેણે એમડીટીને મંજૂરી આપી છે.

offbeat news international news united kingdom