દોઢ લાખનું મંગળસૂત્ર ગળી ગયા આ નંદી મહારાજ, પછી થયું કંઇક આવું...

15 September, 2019 12:53 PM IST  |  મુંબઈ ડેસ્ક

દોઢ લાખનું મંગળસૂત્ર ગળી ગયા આ નંદી મહારાજ, પછી થયું કંઇક આવું...

પ્રતીકાત્મક તસવીર

પશુઓ સામાન્ય રીતે ઘાસ ખાય, ઝાડ પાન ખાય. આ સામાન્ય વાત છે. ક્યારેક ક્યારેક પ્લાસ્ટિક ખાઈ જવાના કિસ્સા સામે આવે છે. પરંતુ મહારાષ્ટ્રમાં તો એક નંદી મહારાજ દોઢ લાખનું મંગળસૂત્ર ગળી ગયા. માન્યામાં ન આવે તેવી વાત છે, પણ આ ઘટના બની છે. અહીં એક બળદ લગભગ દોઢ લાખની કિંમતનું મંગળસૂત્ર ખાઇ ગયો અને તેનો માલિક 8 દિવસથી તેના છાણમાં પોતાનું મંગળસૂત્ર નીકળવાની રાહ જોઇ રહ્યો હતો. હકીકતે, મહારાષ્ટ્રમાં પોલા તહેવાર ઉજવવામાં આવે છે, જેમાં બળદને શણગારીને શેરીએ શેરીએ ફરાવવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે.

આ તહેવારની પૂજા દરમિયાન એક અવિશ્વસનીય ઘટના બની. જેમાં આ બળદ લગભગ દોઢ લાખની કિંમતનું મંગળસૂત્ર ગળી ગયો. બળદનો માલિક 8 દિવસ સુધી મંગળસૂત્ર છાણવાટે બહાર નીકળવાની રાહ જોતો રહ્યો અને તે જ આશામાં છાણ જોતો રહ્યો પણ 9માં દિવસે છેલ્લે હારીને તેને બળદના પેટનું ઑપરેશન કરાવવું પડ્યું.

મહારાષ્ટ્રના અહમદનગરના એક ગામમાં એક ખેડૂત પોલા તહેવારના દિવસે પોતાના બળદને આખા ગામમાં ફેરવ્યો અને ઘરે તેની પૂજા કરી. પૂજા સમયે ખેડૂતની પત્નીએ સોનાનું મંગળસૂત્ર થાળીમાં મૂકી દીધો. બરાબર તે જ સમયે લાઇટ ગઈ અને ત્યાં જ બધું બદલાઇ ગયું.

વીજળી જતાં જ ખેડૂતની પત્ની અંદર મીણબત્તી લેવા ગઈ એટલી વારમાં તો બળદ મિઠાઇની સાથે સાથે મંગળસૂત્ર પણ ખાઈ ગયો. પત્નીએ આ વાત જ્યારે તે ખેડૂતને જણાવી ત્યારે ખેડૂતે બળદના મોંમાં હાથ નાખીને જોયું, પણ ત્યાં સુધી તો મંગળસૂત્ર બળદના પેટમાં પહોંચી ગયું હતું.

ગામવાળાની સલાહ પર ખેડૂતે ઘણા દિવસો સુધી રાહ જોઈ જેનાથી શક્ય હોય કે છાણની સાથે મંગળસૂત્ર નીકળે. લગભગ 8 દિવસ સુધી ખેડૂતે બળદના છાણમાં મંગળસૂત્ર શોધ્યું પણ મંગળસૂત્ર મળ્યું નહીં. છેલ્લે ખેડૂત બળદને ડૉક્ટર પાસે લઈ ગયો. તપાસમાં ખબર પડી કે મંગળસૂત્ર બળદના રેટિકુલમમાં ફસાયેલું છે. ત્યાર પછી ડૉક્ટરે 9 સપ્ટેમ્બરે બળદનું ઑપરેશન કર્યું અને મંગળસૂત્ર કાઢ્યું. બળદની સ્થિતિ સ્થિર છે, તેને ટાંકા લગાડવામાં આવ્યા છે. તેની સારસંભાળ થઈ રહી છે.

આ પણ વાંચો : નવરાત્રિ 2019: આ 5 જગ્યાના ગરબા છે સૌથી ફેમસ

જણાવીએ કે પોલા તહેવારમાં જેના ઘરે બળદ હોય, તેને શણગારીને ફરાવવામાં આવે છે. બળદે ખાવા માટે કંઇક આપવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે. કેટલાક લોકો બળદને મીઠાઇની સાથે સોનું પણ ચડાવે છે.

offbeat news maharashtra