કાંચીપુરમના નાયબ કલેક્ટરે દીકરાનાં લગ્નની કંકોતરી હાથરૂમાલ પર છાપી

15 November, 2019 10:34 AM IST  |  Tamil Nadu

કાંચીપુરમના નાયબ કલેક્ટરે દીકરાનાં લગ્નની કંકોતરી હાથરૂમાલ પર છાપી

હાથરૂમાલ પર છાપી લગ્નની કંકોતરી

મોંઘા અને ભપકાભર્યા લગ્ન-સમારંભોમાં ચીજવસ્તુઓ અને ખાદ્ય સામગ્રીના વેડફાટ ઉપરાંત પર્યાવરણને ઓછાવધતા પ્રમાણમાં નુકસાનની ચર્ચા ખૂબ થાય છે, પરંતુ વેડફાટ રોકવા અને પર્યાવરણને નુકસાન ટાળવાના પ્રયત્નો ઓછા થાય છે. તામિલનાડુના કાંચીપુરમ જિલ્લાના નાયબ કલેક્ટર સેલ્વમતી વેન્કટેશે તેમના પુત્ર બાલાજીની કંકોતરી હાથરૂમાલ પર છપાવી હતી. એ લગ્નમાં કંકોતરીથી રિટર્ન ગિફ્ટ સુધી બધું પર્યાવરણને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું હતું.

મૂળ ત્રિચીના વતની સેલ્વમતી વેન્કટેશના પુત્રનાં લગ્નમાં પ્લાસ્ટિકના કપ્સ, પ્લાસ્ટિકની વૉટર બૉટલ્સ તથા પર્યાવરણને હાનિકારક વસ્તુઓનો વપરાશ ટાળવામાં આવ્યો હતો. એને બદલે સ્ટીલનાં ટમ્બલર્સ અને કૉટન ટૉવેલ્સ રાખવામાં આવ્યાં હતાં. વળી કંકોતરીઓ-વેડિંગ કાર્ડ્સ સ્ટેટસ સિમ્બૉલ્સ બની ગયાં હોવાથી કદ, આકાર, ડિઝાઇન અને કાગળ, પૂંઠાં, જરી વગેરેનો ઘણો વપરાશ થાય છે. એમાં પ્લાસ્ટિક જેવા પદાર્થો પણ વપરાય છે. ઘણી મોંઘી અને વજનદાર કંકોતરીઓ પણ વહેંચે છે. એ બધી પળોજણને દૂર રાખીને કામગીરી સહેલાઈથી પાર પાડવા માટે બાલાજીનાં લગ્નની કંકોતરી હાથરૂમાલ પર છાપવામાં આવી હતી.

આ પણ વાંચો : જુઓ લગ્નની અનોખી આમંત્રણ પત્રિકા, હસી-હસીને લોટપોટ થઈ જશો

ત્રણ રંગોમાં છપાયેલી કંકોતરી જે પાઉચમાં આપવામાં આવી હતી એ મહિલાઓને ખૂબ ગમી ગઈ હતી. હીરા કે એવી કીમતી અને નાજુક વસ્તુ રાખવા માટે એ પાઉચ મહિલાઓએ સાચવી રાખ્યાં છે.

tamil nadu offbeat news hatke news