ચીનમાં ખુલ્લું મુકાયું બ્રેકઅપ બજાર

08 May, 2019 10:26 AM IST  |  હાર્બિન

ચીનમાં ખુલ્લું મુકાયું બ્રેકઅપ બજાર

બ્રેકઅપ બજાર

ચીનના હાર્બિન શહેરમાં ગયા મહિને એક અનોખું મ્યુઝિયમ ખુલ્લું મુકાયું છે. અહીં લોકોના તૂટેલા સંબંધોની નિશાનીઓ ભરી છે. જ્યારે પણ કોઈ પ્રેમસંબંધ ખીલી રહ્યો હોય ત્યારે બે વ્યક્તિઓ એકમેકને અનોખી યાદગીર ભેટ આપતી રહે છે. પત્રો, સાથે મળીને કરેલું કોઈ કામ, મુવીની ટિકિટો, ખાસ દિવસોએ આપેલી ભેટોનો ખજાનો બન્ને પક્ષે ભેગો કરેલો હોય છે. કમનસીબે જો આ સંબંધ લાંબા ગાળે પાંગરે નહીં અને બ્રેકઅપમાં પરિણમે તો આ સંબંધ સાથે સંકળાયેલી બધી જ ચીજો તમને જૂના સંબંધની યાદ અપાવે. આવી બ્રેકઅપ મેમરીઝનું કલેક્શન ભેગું કર્યું છે લિયુ યાન નામની પચીસ વર્ષની યુવતીએ.

લિયુએ થોડા મહિના પહેલાં સોશ્યલ મીડિયા પર લોકોને અપીલ કરી હતી કે જો કોઈની પાસે બ્રેકઅપ મેમરીઝ હોય અને એનાથી તેઓ છુટકારો મેળવવા માગતા હોય તો એવી ચીજો હું એકઠી કરવા માગું છું. તેણે સેંકડો લોકો સાથે ફોન પર વાત કરીને જે-તે ચીજ પાછળની બ્રેકઅપની સ્ટોરી પણ સાંભળી. ઘણીબધી વાતો સાંભળીને તેણે ૫૦ લોકો પાસેથી કુલ ૧૦૦ ચીજો સિલેક્ટ કરી હતી. આ તમામ ચીજો સાથે સંકળાયેલી બ્રેકઅપ પહેલાંની યાદો પણ તેણે કાગળમાં લખીને જે-તે ચીજો સાથે ડિસ્પ્લેમાં મૂકી હતી. આ પ્રદર્શનીનું નામ આપ્યું મ્યુઝિયમ ઑફ બ્રોકન રિલેશનશિપ. આ પ્રદર્શની તૈયાર કરવા માટે તેણે ૨૦ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

આ પણ વાંચો : ઇટાલિયન ટાઉનમાં 500 ઘર 77 રૂપિયામાં વેચાવા નીકળ્યાં

તૂટેલા સંબંધોની આ પ્રદર્શની જોવા માટે પહેલા દસ દિવસમાં જ ૧૫,૦૦૦થી વધુ લોકો આવી ગયા છે. હજીયે વિઝિટર્સનો ધસારો ચાલુ જ છે. લિયુનું કહેવું છે કે ખાસ કરીને પ્રેમી યુગલો અને પ્રેમમાં થાપ ખાઈ ચૂકેલા લોકો તેનું મ્યુઝિયમ જોવા આવે છે.

offbeat news hatke news china