એક મહિના સુધી સમુદ્રમાં એકલો ઝઝૂમ્યા પછી ઓડિશાના તટ પર જઈ પહોંચ્યો

30 October, 2019 09:59 AM IST  |  આંદામાન

એક મહિના સુધી સમુદ્રમાં એકલો ઝઝૂમ્યા પછી ઓડિશાના તટ પર જઈ પહોંચ્યો

આંદામાનનો ટીનેજર એક મહિના બાદ ઓડિશાના સમુદ્ર તટ પર જઈ પહોંચ્યો

૨૦૧૨માં ઇરફાન ખાનની ‘લાઇફ ઑફ પાઇ’ મૂવી આવેલી જેમાં પાઇ પટેલ નામનો ટીનેજર અફાટ સમુદ્રમાં એક નાવની અંદર વાઘની સાથે ફસાઈ જાય છે. તે નાવમાં રહે તો વાઘ ખાઈ જાય અને સમુદ્રના પાણીમાં પડે તો ડૂબીને મરી જાય. એમ છતાં અઠવાડિયાંઓ સુધી તે સમુદ્રમાં એક તરાપા જેવું બાંધીને જીવતો રહ્યો એની કથા આ ફિલ્મમાં છે. આ ફિલ્મ અત્યારે એટલા માટે યાદ આવી કેમ કે એના  જેવો કિસ્સો આંદામાનના શહીદ આઇલૅન્ડ પર રહેતા ૪૯ વર્ષના અમૃત કુજુર સાથે બન્યો છે.

અમૃત બાવીસમી ઑક્ટોબરે દરિયામાં વહીને ઓડિશા સ્થિત ચિલ્લા પાસેના ખિરીસાહી ગામના તટ પર પહોંચ્યો હતો. તેની બાજુમાં એની તૂટેલી નાવડી પણ પડી હતી. ગામલોકોએ તેની એ હાલત જોઈને તેને ખાવાનું અને કપડાં આપતાં તેનો જીવ બચી ગયો હતો. સાનભાન આવતાં અમૃતે પોતાની પત્નીને સંપર્ક કરવા જણાવ્યું હતું અને એ પછી પોલીસે અજાણ્યા વ્યક્તિની ઓળખ માટે કરેલી તપાસમાં ખબર પડી હતી કે અમૃત આંદામાનનો રહેવાસી છે.

૨૮ ‌સપ્ટેમ્બરે તે શહીદ આઇલૅન્ડ પરથી તેના દોસ્ત દિવ્યરંજન સાથે એક નાવમાં નીકળ્યો હતો. આ નાવમાં તે હિન્દ મહાસાગરના અન્ય ટાપુઓ પર જઈને માલસામાન વેચવાનું કામ કરતા હતા. એ નાવમાં લગભગ પાંચ લાખનો સામાન હતો. જોકે તોફાન આવતાં તેમની દિશા ફંટાઈ ગઈ. સમુદ્રમાં ટકી રહેવા નાવનું વજન ઘટાડવા માટે તેમણે ઘણો સામાન સમુદ્રમાં ફેંકી દીધો. મોટા જહાજો પાસેથી મદદ મેળવવા તેમણે ઘણી કોશિશ કરી પણ કંઈ ન વળ્યું.

તોફાનના ધક્કા ખાઈને તેઓ મ્યાનમાર પહોંચી ગયા. ત્યાં નેવી બેઝવાળાઓએ તેમને એક કંપાસ, બીજી નાવ અને ૨૬૦ લિટર ફ્યુઅલ આપ્યું જેથી તેઓ આંદામાન-નિકોબાર પાછા પહોંચી શકે. જોકે ફરીથી સમુદ્રમાં તોફાન આવ્યું અને રસ્તો ભટકી ગયા. એ પછી તો નાવમાં કંઈ જ ખાવાપીવાનું બચ્યું નહોતું. સમુદ્રનું પાણી ગાળીને પીવાના દિવસો આવ્યા અને ભૂખને કારણે તડપીને દિવ્યરંજનનું મૃત્યુ થઈ ગયું. અમૃતે બે દિવસ તેની લાશને નાવમાં રાખી, પણ પછી એ સડવાથી ભયંકર બદબૂ આવવા લાગતાં તેણે મિત્રની લાશને સમુદ્રમાં ફેંકી દીધી.

આ પણ વાંચો : 1000 વર્ષ જૂનું ઓકનું વૃક્ષ ઇંગ્લૅન્ડના ટ્રી ઑફ ધ યર તરીકે પસંદગી પામ્યું

વહેણમાં નાવ તણાઈને ઓડિશાના કિનારે આવી પહોંચી જ્યાં ગામલોકોએ તેને ખાવાનું આપતાં તેનો જીવ બચી ગયો. બીજી તરફ તેની પત્નીએ પતિના ગૂમ થયાની ફરિયાદ નોંધાવી હતી. અમૃતે બે-બે સમુદ્રી તોફાનોનો સામનો કર્યો અને પોતાના દોસ્તને નજર સામે મરતો જોયો અને ભૂખ સામેનો જંગ લડીનેય જીવતો રહ્યો એ બાબત ખરેખર અચરજ પમાડનારી છે.

national news offbeat news hatke news