ડૉગી સાથે ફરવા માટે બે વર્ષથી આ યુગલ નોકરી છોડીને વિશ્વભ્રમણ પર નીકળ્યુ

01 August, 2019 09:22 AM IST  |  લંડન

ડૉગી સાથે ફરવા માટે બે વર્ષથી આ યુગલ નોકરી છોડીને વિશ્વભ્રમણ પર નીકળ્યુ

ડૉગી સાથે વર્લ્ડ ટૂર પર આ યુગલ

લંડનમાં રહેતા ૫૪ વર્ષનો જો પાર્ટિન્ગ્ટન અને ૪૮ વર્ષની નતાશા કૂપરે બે વર્ષ પહેલાં જ પોતાની મોટા પગારવાળી નોકરી છોડી દીધી છે. એનું કારણ માત્ર એટલું જ છે કે તેઓ પોતાના કૂતરા સાથે આ વિશ્વભ્રમણ કરવા માગતા હતા. નતાશાનું કહેવું છે કે જિંદગી ખૂબ નાની હોય છે અને જીવનનો સારામાં સારો સમય ગાળવા માટે હંમેશાં નિવૃત્તિની રાહ ન જોવી જોઈએ. પીટ નામનો પાળેલો ડૉગી દસ વર્ષનો છે અને આ યુગલ માટે પોતાના સંતાન કરતાંય વિશેષ મહત્વનો છે.

પીટ હવે વૃદ્ધ થઈ રહ્યો હોવાથી જો તેઓ પોતાના નિવૃત્તિકાળ સુધીની રાહ જોવાનું વિચારત તો કદાચ આ કૂતરાને લઈને વિશ્વભ્રમણ ન કરી શક્યા હોત. એ જ કારણોસર યુગલે કામમાંથી વહેલી નિવૃત્તિ લઈને ડૉગી દુનિયા જોઈ શકે એ માટે નોકરી છોડી દીધી અને છેલ્લાં બે વર્ષથી વિશ્વના જુદા-જુદા દેશોમાં ફરે છે. ખર્ચ બચાવવા માટે યુગલ બસ અને ટ્રેનમાં સફર કરે છે અને પીટ પણ એમાં મજા કરે છે.

આ પણ વાંચો : ચાર ભેંસોનું અપહરણ કરીને માલિક પાસે ખંડણી માગી

૨૦૧૭ના જાન્યુઆરીમાં શરૂ થયેલી તેમની વિશ્વદર્શનની ટૂરમાં તેઓ ફ્રાન્સ, ઇટલી, મોનૅકો, પોર્ટુગલ અને સ્પેન જેવા યુરોપના દેશો ફરી ચૂક્યા છે અને હવે નેધરલૅન્ડ્સ, ડેન્માર્ક અને સ્વીડન ફરવાનું પ્લાનિંગ છે. પીટ આ યુગલની સાથે પર્વતોનું ચડાણ કરે છે અને સરોવરની કિનારે કૅમ્પિંગની મજા પણ માણે છે. નતાશાનું કહેવું છે કે જ્યારે તમે સ્વસ્થ હો ત્યારે લાંબા કલાકો નોકરીના સ્ટ્રેસમાં કાઢવાને બદલે જિંદગીને માણવાને પ્રાયોરિટી આપવી જોઈએ.

london offbeat news hatke news