ઘરે ઇન્ટરનેટ નહોતું તો આ છોકરો મોબાઇલ સ્ટોર પર જઈને હોમવર્ક કરવા લાગ્યો

19 November, 2019 09:55 AM IST  |  Brazil

ઘરે ઇન્ટરનેટ નહોતું તો આ છોકરો મોબાઇલ સ્ટોર પર જઈને હોમવર્ક કરવા લાગ્યો

મોબાઇલ સ્ટોર પર ઇન્ટરનેટ વાપરતો છોકરો

સોશ્યલ મીડિયામાં એક છોકરો સેમસંગ સ્ટોર પર જઈને ત્યાંના ટૅબ્લેટમાં હોમવર્ક કરી રહ્યો હોય એવો વિડિયો વાઇરલ થયો છે. બ્રાઝિલની આ ઘટના ગયા અઠવાડિયે સોશ્યલ મીડિયામાં તરતી મુકાયેલી. આ વિડિયોને લગભગ સવાસો કરોડ લોકોએ જોયો છે અને એ પછી સ્ટોરના માલિકે તેને બે ટૅબ્લેટ ગિફ્ટ કર્યા હતા. ગુઈહર્મ નામનો છોકરો રોજ આ સ્ટોર પર આવતો અને સ્કૂલ બૅગમાંથી નોટબુક કાઢીને ટૅબ્લેટની બાજુમાં ઊભો રહીને લખવા બેસી જતો. આ તેનો રોજનો ક્રમ હતો એ જોઈને એક કર્મચારીએ તેને પૂછ્યું કે તે કેમ સ્ટોર પર આવીને લખે છે? ત્યારે તેણે પોતાની આપવીતી સંભળાવી. ગુઈહર્મ ભણવામાં ઘણો હોશિયાર હતો પણ તેના વિસ્તારમાં ઇન્ટરનેટની સુવિધા નહોતી. એટલે તે સ્ટોર પર ડિસ્પ્લેમાં મુકેલા ટૅબ્લેટના ઇન્ટરનેટની મદદથી સ્કૂલનું હોમવર્ક પતાવતો હતો.

આ પણ વાંચો : ફ્રીમાં ફ્યુઅલ મેળવવા માટે પુરુષો બિકિની પહેરીને ગૅસ સ્ટેશન પર પહોંચ્યા

આ વાત જાણીને કર્મચારીએ પણ તેને રોજ અહીં આવીને હોમવર્ક કરવાની છૂટ આપી દીધી. આ વિડિયો ક્લિપ વાઇરલ થઈ એટલે વાત સ્ટોરના માલિક સુધી પહોંચી. એ માલિકે તેની સ્કૂલ અને તે જ્યાં રહે છે એ બધાની તપાસ કરી અને વાત સાચી નીકળી એટલે તેણે આ છોકરાને પોતાના તરફથી બે ટૅબ્લેટ્સ આપ્યા હતા.

brazil offbeat news hatke news