ચાઇનીઝ ખેડૂતો કૉક્રોચની ખેતી કરીને કમાય છે કરોડો રૂપિયા

17 April, 2019 09:38 AM IST  |  ચીન

ચાઇનીઝ ખેડૂતો કૉક્રોચની ખેતી કરીને કમાય છે કરોડો રૂપિયા

કૉક્રોચ

ઘરમાં જો ચાર-પાંચ કૉક્રોચ દેખાઈ જાય તો તરત જ આપણે પેસ્ટ-કન્ટ્રોલ કરીને એનો ખાતમો બોલાવવા માટે મચેલા હોઈએ છીએ, જ્યારે ચીનના યિબિન શહેરમાં લિ બિન્કાઇ નામના ભાઈએ પોતાના ફાર્મહાઉસને વાંદાઓનું ઘર બનાવી દીધું છે. લિભાઈએ વાંદાની સારી પ્રજાતિનાં ઈંડાં લાવીને લિટરલી વાંદાની ખેતી એટલે કે બ્રીડિંગ કરવાનું શરૂ કરી દીધું છે. આમ તો ભાઈસાહેબની મોબાઇલ ફોનની દુકાન હતી, પણ ટેસ્ટી કૉક્રોચની ડિમાન્ડ ખૂબ છે એવી ખબર પડતાં તેમણે ૨૦૧૬માં ધંધો બદલ્યો. પોતાનું બંધ પડેલું ફાર્મહાઉસ કૉક્રોચહાઉસમાં તબદિલ કરી નાખ્યું.

બે મોટા ઓરડામાં લાકડાનાં બૉક્સ ભરીને વાંદાઓ બ્રીડ કરવાનું શરૂ કર્યું છે. વાંદાને માફક આવે એવું વાતાવરણ, ભેજ અને ગરમી એ રૂમમાં જાળવવામાં આવે છે અને દિવસમાં બેથી ત્રણ વાર વાંદાઓને ફૂડ ખવડાવવામાં આવે છે. મકાઈનો ભૂકો, ફળો અને શાકભાજીનાં છોડાં નાની-નાની ટ્રેમાં વાંદાઓને સર્વ કરવામાં આવે છે અને લાખોની સંખ્યામાં વાંદા રૂમમાં ચોમેર ફેલાઈ વળે છે એ જોઈને ડઘાઈ જવાય છે. આ વાંદાનો બે રીતે ઉપયોગ થાય છે; એક તો તળીને ખાવામાં અને બીજો સૂકવીને એમાંથી દવાઓ બનાવવામાં.

એક ટન જેટલાં સૂકાં ક્રૉક્રોચ ચાઇનીઝ ફાર્માસ્યુટિકલ કંપની ૯૦,૦૦૦ યુઆન એટલે કે લગભગ ૯ લાખ રૂપિયાથી વધુમાં વેચાય છે. જીવતા વાંદા રેસ્ટોરાંવાળાઓ ખરીદી જાય છે, કેમ કે ખાસ ચીજો ખવડાવીને મોટા કરેલા વાંદા તળીને ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. ચાઇનીઝ મેડિસિન ઇન્ડસ્ટ્રીમાં વાંદાનો બહુ મોટા પાયે ઉપયોગ થાય છે. ગળાનું ઇન્ફેક્શન, કાકડા, લિવર સિરોસિસ જેવી બીમારીઓમાં એ વપરાય છે. માત્ર ચાઇનીઝ નહીં, વેસ્ટર્ન મેડિસિનમાં પણ અનેક દવાઓમાં વાંદાના શરીરમાંથી મળતા ખાસ કેમિકલ્સનો ઉપયોગ થાય છે.

આ પણ વાંચો : કોને દેખાવું છે બાર્બી ડૉલ જેવું, તો ખર્ચો આટલા પૈસા

લિભાઈનું કહેવું છે કે કૉક્રોચ ખાવાનું સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે અને આ વિશે છેલ્લાં બે વર્ષમાં ઘણી જાગૃતિ આવી હોવાથી એની ડિમાન્ડને પહોંચી વળવું મુશ્કેલ છે. લિની દીકરી હવે ઑનલાઇન જીવતા અને ડ્રાય બન્ને પ્રકારના વાંદા વેચે છે. ચીનના શિચાન્ગમાં ગુડડૉક્ટર ફાર્માસ્યુટિકલ ગ્રુપ વિશ્વનું સૌથી મોટું કૉક્રોચ-ફાર્મ ચલાવે છે જેમાં એકસાથે લગભગ ૬ અબજ વાંદાનો ઉછેર થાય છે.

china offbeat news hatke news