આ ડૉક્ટરે નોકરીના પહેલા જ દિવસે દર્દીના કાનમાંથી જીવતી ગરોળી કાઢી

03 July, 2019 08:52 AM IST  |  બૅન્ગકૉક

આ ડૉક્ટરે નોકરીના પહેલા જ દિવસે દર્દીના કાનમાંથી જીવતી ગરોળી કાઢી

દર્દીના કાનમાંથી જીવતી ગરોળી કાઢી

બૅન્ગકૉકની રાજવીથી હૉસ્પિટલમાં પચીસ વર્ષની વારાન્યા નામની ડૉક્ટરનો જૉબનો પહેલો દિવસ હતો. સાંજે તે ઘરે જવાની તૈયારીમાં હતી ત્યાં એક દર્દી કાનમાં દુખાવાની ફરિયાદ લઈને આવ્યો. બે દિવસથી તેને બહુ જ સણકા મારતા હતા. રૂટીન તપાસ તરીકે વારાન્યાએ ઑટોસ્કોપથી કાનની અંદર તપાસ કરી. જોયું તો અંદર કંઈક બહુ મોટી ચીજ સળવળી રહી હતી. અનુભવના અભાવે શું કરવું એ સમજાતું નહોતું એટલે તેણે સ્ટ્રૉન્ગ ઍન્ટિ-બાયોટિક દવાનાં ડ્રૉપ્સ કાનમાં નાખ્યાં અને દર્દીને કહ્યું કે જે કાન દુખે છે એને નીચેની તરફ રાખીને થોડી વાર સૂઈ જાય. જેથી કદાચ કોઈ જીવડું હોય તો આપમેળે બહાર આવી જાય. ખાસ્સી વાર સૂતા પછી પણ કંઈ પરિણામ ન મળ્યું એટલે તેણે કાનમાં ઊંડે ચીપિયો નાખ્યો અને જીવડાનો પગ પકડાયો હોય એવું લાગ્યું. તેણે ચીપિયો બહાર ખેંચતાં જોવા મળ્યું એ દંગ રહી જવાય એવું હતું. દર્દીના કાનની અંદર સળવળી રહેલી નાની ગરોળી હતી.

આ પણ વાંચો : અમેરિકન ગોવાળિયોઃ સેક્સોફોન વગાડીને કરે છે ગાયોને મંત્રમુગ્ધ

સ્થાનિક ભાષામાં એને જિન્ગ જૉન્ગ કહેવાય છે. ડૉક્ટરે આ ગરોળીની તસવીર લઈને હૉસ્પિટલમાં પોતાના પહેલા દિવસના અનુભવનો ‌આ કિસ્સો શૅર કર્યો હતો. દર્દીને પણ ખબર નથી પડતી કે આવડી મોટી ગરોળી કાનના ટચૂકડા કાણામાં અંદર કઈ રીતે ગઈ હશે.

bangkok offbeat news hatke news