૭૩ વર્ષનાં માજી ઇંગ્લૅન્ડથી દોડતાં નીકળ્યાં છે નેપાલ જવા માટે

11 December, 2019 01:02 PM IST  |  Mumbai Desk

૭૩ વર્ષનાં માજી ઇંગ્લૅન્ડથી દોડતાં નીકળ્યાં છે નેપાલ જવા માટે

બ્રિટનનાં રોઝી સ્વેલ પૉપ નામનાં ૭૩ વર્ષનાં એવર એનર્જેટિક લેડીએ ઇંગ્લૅન્ડથી નેપાલની સફર દોડીને પાર કરવાનું બીડું ઝડપ્યું છે. ભૂકંપ પીડિતો માટે ચૅરિટી ભંડોળ એકત્ર કરવા માટે તેમણે આ સાહસ ખેડ્યું છે. બહેન રનિંગના જબરા શોખીન છે અને તેમણે પોતે દોડવાની સાથે દુનિયાની દોડતી કરવાનું ‘રન રોઝી રન’ નામનું કૅમ્પેઇન ૨૦૧૮માં વહેતું કર્યું હતું. આ પ્રોજેક્ટ અંતર્ગત રોઝીએ બ્રિટનના બ્રિઘટનથી નેપાલના કાઠમંડુ સુધીની ૬૦૦૦ માઇલ એટલે કે આશરે ૯૬૫૬ કિલોમીટરની સફર દોડીને પાર કરવાનું નક્કી કર્યું હતું. અત્યાર સુધીમાં બહેને ૧૨ દેશો પાર કરી લીધા છે. મોટી વયને કારણે રોઝી બહુ લાંબુ દોડી નથી શકતાં પણ તેમણે રોજનું વીસ કિલોમીટરનું રનિંગ કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. રોઝીનું કહેવું છે કે રોજ રાતે તેને ક્યાં સૂવા મળશે એની ખબર નથી હોતી. ક્યારેક તે મેદાનમાં સૂઈ જાય છે તો ક્યારેક શહેરની ગલીઓમાં. સવારે ઊઠીને તે દોડવાનું શરૂ કરી દે છે અને રોજ નવા લોકોને મળે છે જેને તે બીજી વાર કદી મળી શકવાનાં નથી.

એકલાં દોડવાનું અને ગમે ત્યાં રોકાણ કરી લેવાનું હોવાથી તેણે પોતાની રોજિંદી જરૂરિયાતની ચીજો એક ટ્રૉલીમાં ભરી છે. આ ટ્રૉલીને તે પોતાની સાથે ખેંચીને જ બધે જાય છે. દિવસ દરમ્યાન તે જ્યાં જાય ત્યાંના લોકો સાથે વાતો કરે છે, દોસ્તો બનાવે છે અને સૂરજ ઓછો તપેલો હોય ત્યારે રનિંગ કરીને સ્થળાંતર કરે છે. રોઝીએ ૨૦૦૪માં પણ લાંબો રનિંગ પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. ૨૦૧૫માં તે આખા અમેરિકામાં પણ દોડી આવ્યાં હતાં. સ્વર્ગીય પતિ ક્લાઇવના સન્માનમાં ન્યુ યૉર્કથી સૅન ફ્રાન્સિસ્કો સુધી પણ તેઓ દોડ્યાં હતાં.

england offbeat news nepal