17 December, 2024 12:09 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ઝાકિર હુસૈન અને પિતા અલ્લારખ્ખા
ઝાકિર હુસૈને પિતા અલ્લારખ્ખા તેની કેટલી કાળજી રાખતા એ વિશે એક મુલાકાતમાં કહ્યું હતું કે ‘આ બનાવ હું જ્યારે કિશોર વયનો હતો ત્યારનો છે. એ વખતે મેં અબ્બાજી પાસે તબલાંની પદ્ધતિસરની તાલીમ લેવાનું ચાલુ કરી દીધું હતું. એક વાર તેઓ ઘરે નહોતા અને હું મારા મિત્રો સાથે ચોપાટી પર બૅટ-બૉલ લઈને ક્રિકેટ રમવા પહોંચી ગયો. અબ્બાજી ઘરે આવ્યા અને પૂછ્યું તો ખબર પડી કે હું તો ક્રિકેટ રમવા ગયો છું એથી ધૂંઆપૂંઆ થતાં તેઓ ચોપાટી પર આવ્યા અને મને એક તમાચો ચોડી દીધો. જોકે એ તમાચો ચોડી દેવા પાછળ તેમનો ઇરાદો મારા સારા ઉદ્દેશ માટે જ હતો. તેમણે કહ્યું કે તારે તબલાં વગાડવાનાં છે. જો ક્રિકેટ રમતાં આંગળીઓને જરા પણ નુકસાન થશે તો તું તબલાં નહીં વગાડી શકે. આમ તેમણે બધા મિત્રોની સામે માર્યો ખરો, પણ એ મારા સારા માટે જ માર્યો હતો.’