અમિત શાહના દીકરાની ખોટી ઓળખ આપી ભાજપના ધારાસભ્યો પાસેથી પૈસા માગી છેતરપિંડી

20 February, 2025 07:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Youth Posing as Jay Shah asks money from BJP MLA: હરિદ્વારના રાનીપુરના ભાજપ ધારાસભ્ય આદેશ ચૌહાણ પાસેથી જય શાહ બોલી રહ્યું હોવાનો ફોન કરીને 5 લાખ રૂપિયાની ખંડણી માગનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આ છેતરપિંડી કરનારાઓમાં કુલ ત્રણ લોકો સામેલ હતા.

જય શાહ (ફાઇલ તસવીર)

ઉત્તરાખંડથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના દીકરા જય શાહની ખોટી ઓળક આપીને એક ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ધારાસભ્ય પાસેથી 5 લાખ રૂપિયાની ખંડણી માગવામાં આવી હતી. હરિદ્વારના રાનીપુરના ભાજપ ધારાસભ્ય આદેશ ચૌહાણ પાસેથી જય શાહ બોલી રહ્યો હોવાનો ફોન કરીને 5 લાખ રૂપિયાની ખંડણી માગનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આ છેતરપિંડી કરનારાઓમાં કુલ ત્રણ લોકો સામેલ હતા, હાલમાં બે લોકોની પોલીસે ધરપકડ કરી છે અને ત્રીજાની શોધ ચાલુ છે.

મંત્રી પદ આપવાનું વચન આપી પૈસા માગ્યા

આ મામલે વધુ માહિતી આપતાં, હરિદ્વારના વરિષ્ઠ પોલીસ અધિક્ષક પ્રમોદ સિંહ ડોબાલે જણાવ્યું હતું કે બીજેપીના ધારાસભ્યને ફોન કરીને પૈસા માગનાર ૧૯ વર્ષીય પ્રિયાંશુ પંતની સોમવારે મોડી સાંજે હરિદ્વાર પોલીસે દિલ્હીથી ધરપકડ કરી હતી, જ્યારે યોજનામાં તેના સાથી ઉવેશ અહેમદની ઉધમ સિંહ નગર જિલ્લાના રુદ્રપુરથી ધરપકડ કરવામાં આવી હતી. ડોબલે કહ્યું કે આ સમગ્ર યોજનામાં સામેલ ગૌરવ નાથની પણ શોધ કરવામાં આવી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે ત્રણેય આરોપીઓએ ઉત્તરાખંડના બે અન્ય ધારાસભ્યો - નૈનિતાલના ધારાસભ્ય સરિતા આર્ય અને રુદ્રપુરના ધારાસભ્ય શિવ અરોરાને મંત્રી બનાવવાનું વચન આપીને પૈસા પડાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.

ધરપકડ બાદ આ વાતનો ખુલાસો થયો

આ મામલે નૈનિતાલ અને રુદ્રપુરમાં પણ કેસ નોંધાયા છે. એવું સામે આવ્યું છે કે વૈભવી જીવન જીવવા માટે, ત્રણેય યુવાનો ધારાસભ્યોને ફોન કરીને પૈસા માગતા હતા. રવિવારે મોડી સાંજે, ધારાસભ્ય આદેશ ચૌહાણને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો જેમાં ફોન કરનારે પોતાને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના દીકરા જય શાહ તરીકે ઓળખાવ્યો અને પાર્ટી ફંડ માટે 5 લાખ રૂપિયાની માગણી કરી. આ વાતથી ચૌહાણને શંકા ગઈ અને જ્યારે તેણે પોતાની શંકા વ્યક્ત કરી, ત્યારે ફોન કરનારે તેને ગાળો આપવાનું શરૂ કર્યું.

આ રીતે પોલીસે કરી આરોપીઓની ધરપકડ

આરોપીઓએ ધારાસભ્યોને ધમકીઓ આપવાની સાથે જો પૈસા નહીં આપે તો સોશિયલ મીડિયા પર બદનામ કરવાની ધમકી પણ આપી હતી. આ પછી આદેશ ચૌહાણે બહાદરાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે ભારતીય ન્યાયિક સંહિતા હેઠળ કેસ નોંધીને આરોપીની શોધ શરૂ કરી. પોલીસે જણાવ્યું કે કેસ ઉકેલવા માટે, પોલીસ ટીમે મોબાઇલ ફોનના સીડીઆર, આઇએમઇઆઈ નંબર અને લોકેશનને ટ્રૅક કર્યું. ગાઝિયાબાદ અને દિલ્હીમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા બાદ, પોલીસને ગુનામાં વપરાયેલા મોબાઇલ ફોન સાથે દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે પંતે કબૂલાત કરી હતી કે વૈભવી જીવન જીવવા માટે, તેણે અને તેના સાથીઓ ઉવેશ અહમદ અને ગૌરવ નાથે ધારાસભ્યો પાસેથી પૈસા પડાવવાની યોજના બનાવી હતી.

jay shah amit shah uttarakhand bharatiya janata party Crime News national news