પૂનમ મહાજના અધીર રંજન પર પ્રહાર:તમે એક જ પરિવારની મહિલા માટે ઉભા છો

04 December, 2019 01:01 PM IST  |  New Delhi

પૂનમ મહાજના અધીર રંજન પર પ્રહાર:તમે એક જ પરિવારની મહિલા માટે ઉભા છો

પુનમ મહાજન

(જી.એન.એસ.) સંસદના વર્તમાન શિયાળુ સત્રમાં ગઈ કાલે મંગળવારે મોંઘવારીના મુદ્દે કાંદાના વધતા જતા ભાવની સાથે દેશમાં બેકારી અને આર્થિક મંદીને લઈને કૉન્ગ્રેસ અને અન્ય પક્ષોએ લોકસભામાં ભારે હોબાળો મચાવ્યો હતો. તો બીજી તરફ બીજેપીનાં સંસદસભ્ય પૂનમ મહાજને કૉન્ગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીને આડા હાથે લઇને વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહને ઘૂસણખોર અને નાણાપ્રધાન નિર્મલા સીતારમણને નિર્બલા સીતારમણ કહેવા બદલ માફી માગવા જણાવ્યું હતું.

બીજેપી સંસદસભ્ય પૂનમ મહાજને કહ્યું કે ‘સોમવારે સદનમાં તમામ સભ્યો તેલંગણમાં મહિલા ડૉક્ટરની હત્યા અને દુષ્કર્મની ઘટનાઓ અંગે એકસાથે હતા, પણ થોડી વાર પછી જેમનું નામ ધીર છે એવા અધીર રંજનજીના ધૈર્યનો બંધ તૂટ્યો હતો અને તેમણે નિર્બલા કહીને સમસ્ત મહિલા શક્તિનું ઘોર અપમાન કર્યું છે. પૂનમે અધીરને સંબોધીને કહ્યું કે નિર્બળ તો તમે છો દાદા (અધીર રંજન) કે તમે એક જ પરિવાર (ગાંધી)ની મહિલા માટે તમે ઊભા છો અને તેના સન્માન અને સુરક્ષા માટે લડી રહ્યા છો, જ્યારે અમારા નાણાપ્રધાન સમગ્ર દેશ માટે કામ કરી રહ્યાં છે.

આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

કૉગ્રેસ નેતા ચૌધરીએ પીએમ મોદી પર નિશાન સાધતાં કહ્યું કે દેશમાં ગરીબોની કસ્તુરી કાંદાની કિંમત વધતી જઈ રહી છે. દેશનાં ઘણાં શહેરોમાં કાંદાના ભાવ ૧૦૦ રૂપિયાને પાર થઈ ગયા છે. પીએમ કહે છે કે તેઓ પોતે કાંદા નથી ખાતા અને ખાવા પણ નહીં દે. અધીર રંજને કહ્યું કે અમે એવું નહીં કહીએ કે પીએમ મોદી ખાઈ જાય છે, પણ વચેટિયાઓ ખાઈ જાય છે.

national news poonam mahajan