તમે જરાય નિર્દોષ નથી

17 April, 2024 08:29 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પતંજલિની દવાઓ બાબતે ભ્રામક જાહેરાતોના કેસમાં બાબા રામદેવને સુપ્રીમ કોર્ટે ફરી ફટકાર્યા

ગઈ કાલે સુપ્રીમ કોર્ટમાં પોતાના વકીલ સાથે હાજર રહેલા યોગગુરુ રામદેવ બાબા.

આવા શબ્દોમાં કોર્ટે ઝાટકણી કાઢ્યા બાદ યોગગુરુ અને આચાર્ય બાલકૃષ્ણે માગી માફીઃ સુપ્રીમ કોર્ટે આગામી સુનાવણી ૨૩ એપ્રિલ પર મુલતવી રાખી

પતંજલિ આયુર્વેદની દવાઓ બાબતે ભ્રામક જાહેરાતોના કેસમાં યોગગુરુ બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદના મૅનેજિંગ ડિરેક્ટર આચાર્ય બાલકૃષ્ણે ગઈ કાલે સુપ્રીમ કોર્ટમાં જાતે ઉપસ્થિત રહીને તેમની માફી કોર્ટમાં રજૂ કરી હતી. કોર્ટના મનાઈ આદેશ છતાં પ્રેસ-કૉન્ફરન્સ આયોજિત કરવા અને દવાની જાહેરાતો ચાલુ રાખવા માટે કોર્ટે બન્નેને ફટકાર આપતાં કોર્ટે કહ્યું હતું કે તમે નિર્દોષ નથી. જોકે ત્યાર બાદ તેમણે કોર્ટની માફી માગી લીધી હતી. 

જ​સ્ટિસ હીમા કોહલી અને અહસાનુદ્દીન અમાનુલ્લાની બેન્ચ સમક્ષ હાજર થયેલા બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ વતી સિનિયર ઍડ્વોકેટ મુકુલ રોહતગીએ કહ્યું હતું કે મારો પસ્તાવો વ્યક્ત કરવા માટે હું જાહેરમાં માફી માગવા માટે તૈયાર છું. હું એ પણ જણાવવા માગું છું કે કોર્ટમાં હું માત્ર ‘લિપ સર્વિસ’ કરતો નથી.બેન્ચે જ્યારે બાબા રામદેવને એમ કહ્યું કે તમને કોઈએ એવો અધિકાર નથી આપ્યો કે ઉપચારની બીજી પદ્ધતિને શૂટડાઉન કરીને તમે કંઈ પણ દાવા કરો, ત્યારે બાબા રામદેવે જણાવ્યું હતું કે તમે સાચું કહી રહ્યા છો, કરોડો લોકો મારી સાથે જોડાયેલા છે અને હવે આગળથી હું એ તથ્ય પર ૧૦૦ ટકા જાગૃત રહીશ કે જેથી આ પ્રકારની કોઈ પણ પરિસ્થિતિનો મારે સામનો કરવો ન પડે, આ મારા માટે પણ વિચારયોગ્ય છે, અમે અનુસંધાનના જે કાર્ય કર્યાં એના ઉત્સાહના જોશમાં આવું થઈ ગયું, હવેથી આવું નહીં કરીએ.

બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણના સબમિશન બાદ કોર્ટે આ કેસની સુનાવણી ૨૩ એપ્રિલ સુધી મુલતવી રાખી હતી.

national news baba ramdev supreme court