23 June, 2025 06:55 AM IST | Visakhapatnam | Gujarati Mid-day Correspondent
વિશાખાપટનમમાં આયોજિત રેકૉર્ડ-બ્રેકિંગ ઇવેન્ટમાં ભાગ લીધો નરેન્દ્ર મોદી
યોગનો સરળ અર્થ જોડવાનો છે અને યોગે સમગ્ર વિશ્વને કેવી રીતે જોડ્યું છે એ જોવું સુખદ છે. જ્યારે હું છેલ્લા દાયકામાં યોગની સફર પર નજર કરું છું ત્યારે મને ઘણીબધી વાતો યાદ આવી જાય છે. ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ મૂક્યો હતો કે ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે માન્યતા આપવી જોઈએ અને પછી સૌથી ઓછા સમયમાં વિશ્વના ૧૭૫ દેશો આપણા પ્રસ્તાવ સાથે ઊભા રહ્યા હતા. આવી એકતા, આટલો ટેકો આજની દુનિયામાં સામાન્ય ઘટના નથી. આ ફક્ત એક સંકલ્પનું સમર્થન નહોતું, એ માનવતાના ભલા માટે વિશ્વનો સામૂહિક પ્રયાસ હતો. આજે ૧૧ વર્ષ પછી આપણે જોઈ રહ્યા છીએ કે યોગ વિશ્વભરના કરોડો લોકોની જીવનશૈલીનો ભાગ બની ગયો છે. મને ગર્વ થાય છે જ્યારે હું જોઉં છું કે આપણા દિવ્યાંગ મિત્રો બ્રેઇલમાં યોગગ્રંથો વાંચે છે, વૈજ્ઞાનિકો અવકાશમાં યોગ કરે છે, ગામડાંઓમાં યુવાન મિત્રો યોગ ઑલિમ્પિયાડમાં ભાગ લે છે. ભલે એ સિડની ઑપેરાહાઉસનાં પગથિયાં હોય કે એવરેસ્ટનું શિખર હોય કે દરિયાઈ વિસ્તાર હોય, દરેક જગ્યાએથી એક જ સંદેશ આવે છે : યોગ દરેક માટે છે, સીમાઓથી આગળ, ઉંમર કે ક્ષમતાથી આગળ.
‘હું’થી ‘આપણે’
આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’ છે. આ થીમ એક ઊંડા સત્યને પ્રતિબિંબિત કરે છે. પૃથ્વી પરના દરેક અસ્તિત્વનું સ્વાસ્થ્ય એકબીજા સાથે જોડાયેલું છે. માનવસુખાકારી આપણા ખોરાક ઉગાડતી માટીના સ્વાસ્થ્ય પર, આપણને પાણી આપતી નદીઓ પર, આપણી ઇકોસિસ્ટમને શૅર કરતાં પ્રાણીઓના સ્વાસ્થ્ય પર, આપણને પોષણ આપતા છોડ પર આધાર રાખે છે. યોગ આપણને આ આંતરસંબંધથી વાકેફ કરે છે. યોગ આપણને વિશ્વ સાથે એકતાની યાત્રા પર લઈ જાય છે. એ આપણને શીખવે છે કે આપણે અલગ વ્યક્તિ નથી, પ્રકૃતિનો ભાગ છીએ. શરૂઆતમાં આપણે આપણા પોતાના સ્વાસ્થ્ય અને સુખાકારીની કાળજી લેવાનું શીખીએ છીએ. ધીમે-ધીમે આપણી સંભાળ અને ચિંતા આપણા પર્યાવરણ, સમાજ અને ગ્રહ સુધી વિસ્તરે છે. યોગ એક મહાન વ્યક્તિગત શિસ્ત છે. એ જ સમયે એ એક એવી વ્યવસ્થા છે જે આપણને ‘હું’થી ‘અમે’ સુધી લઈ જાય છે.
‘હું’માંથી ‘આપણે’ની આ ભાવના ભારતના આત્માનો સાર છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાનાં હિતોથી ઉપર ઊઠીને સમાજ વિશે વિચારે છે ત્યારે જ સમગ્ર માનવજાતનું કલ્યાણ થાય છે. ભારતીય સંસ્કૃતિ આપણને શીખવે છે, ‘સર્વે ભવન્તુ સુખિન:’ એટલે કે બધાનું કલ્યાણ એ મારું કર્તવ્ય છે. ‘હું’થી ‘આપણે’ સુધીની આ યાત્રા સેવા, સમર્પણ અને સહઅસ્તિત્વનો આધાર છે. આ વિચાર સામાજિક સંવાદિતાને પ્રોત્સાહન આપે છે.
વૈશ્વિક ભાગીદારીનું માધ્યમ
આ મહત્ત્વપૂર્ણ પ્રસંગે હું વિશ્વ સમુદાયને એક વિનંતી કરવા માગું છું. આ યોગ દિવસ માનવતા માટે યોગ 2.Oની શરૂઆત તરીકે ઊજવીએ, જ્યાં આંતરિક શાંતિ વૈશ્વિક નીતિ બને છે; જ્યાં યોગ ફક્ત એક વ્યક્તિગત પ્રથા નથી, પરંતુ વૈશ્વિક ભાગીદારીનું માધ્યમ બને છે; જ્યાં દરેક દેશ, દરેક સમાજ યોગને જીવનશૈલી અને જાહેર નીતિનો ભાગ બનાવે છે; જ્યાં આપણે સાથે મળીને શાંતિપૂર્ણ, સંતુલિત અને ટકાઉ વિશ્વને પ્રોત્સાહન આપીએ છીએ; જ્યાં યોગ વિશ્વને સંઘર્ષથી સહકાર તરફ અને તનાવથી ઉકેલ તરફ લઈ જાય છે.
આધુનિક તબીબી પ્રણાલીમાં સ્થાન
વિશ્વમાં યોગના પ્રસાર માટે ભારત આધુનિક સંશોધન દ્વારા યોગના વિજ્ઞાનને વધુ મજબૂત બનાવી રહ્યું છે. દેશની મુખ્ય તબીબી સંસ્થાઓ યોગ પર સંશોધનમાં રોકાયેલી છે. અમારો પ્રયાસ છે કે યોગના વૈજ્ઞાનિક સ્વભાવને આધુનિક તબીબી પ્રણાલીમાં સ્થાન મળે. અમે દેશની તબીબી અને સંશોધન સંસ્થાઓમાં યોગના ક્ષેત્રમાં પુરાવાઆધારિત ઉપચારને પણ પ્રોત્સાહન આપી રહ્યા છીએ. દિલ્હીની એઇમ્સે પણ આ દિશામાં ખૂબ સારું કાર્ય કર્યું છે. એઇમ્સના સંશોધનથી જાણવા મળ્યું છે કે યોગ હૃદય અને ન્યુરોલૉજિકલ વિકારોની સારવારમાં અને મહિલાઓના સ્વાસ્થ્ય તથા માનસિક સુખાકારીમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
ભારતની સુખાકારી ઇકોસિસ્ટમ
આપણે બધા જાણીએ છીએ કે આજે ભારતમાં ઉપચારનો મંત્ર પણ વિશ્વમાં ખૂબ લોકપ્રિય બની રહ્યો છે. વિશ્વ માટે ઉપચાર માટે ભારત શ્રેષ્ઠ સ્થળ બની રહ્યું છે. આમાં યોગની પણ મોટી ભૂમિકા છે. મને ખુશી છે કે યોગ માટે એક સામાન્ય યોગ પ્રોટોકૉલ બનાવવામાં આવ્યો છે. યોગ પ્રમાણન બોર્ડના સાડાછ લાખથી વધુ પ્રશિક્ષિત સ્વયંસેવકો, લગભગ ૧૩૦ માન્ય સંસ્થાઓ અને મેડિકલ કૉલેજોમાં ૧૦ દિવસીય યોગ મૉડ્યુલ જેવા ઘણા પ્રયાસો એક સર્વાંગી ઇકોસિસ્ટમ બનાવી રહ્યા છે. દેશભરનાં આપણાં આયુષ્માન આરોગ્ય મંદિરોમાં પ્રશિક્ષિત યોગ શિક્ષકો તહેનાત કરવામાં આવી રહ્યા છે. ખાસ ઈ-આયુષ વીઝા જાહેર કરવામાં આવી રહ્યા છે જેથી વિશ્વભરના લોકો ભારતની સુખાકારી ઇકોસિસ્ટમનો લાભ મેળવી શકે.
અત્ર તત્ર સર્વત્ર યોગ
જગતના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર ગણાતા સિયાચીનમાં ગઈ કાલે યોગ કરતા ઇન્ડિયન આર્મીના જવાનો.
ગઈ કાલે દિલ્હીમાં કર્તવ્યપથ પર યોગ કરતું નાનું બાળક.
ઇન્ડિયન ઍર ફોર્સના જવાનોએ ગઈ કાલે યોગ કરતી વખતે OP SINDOOR વંચાય એ રીતે ઊભા રહીને ભારતે પાકિસ્તાનને આપેલા જડબાતોડ જવાબની ઉજવણી કરી હતી.
દિલ્હીમાં લોધી ગાર્ડનમાં યોગ કરતો છોકરો.
કલકત્તામાં યોગ કરતાં મનોવિકાસ કેન્દ્રનાં દિવ્યાંગ બાળકો.
નાગપુરમાં યોગ કરતી સ્કૂલની વિદ્યાર્થિનીઓ.