19 December, 2025 09:54 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
મહિલાઓ દુકાનમાં ઘૂસી ગઈ અને અંદરથી બૉટલો કાઢીને રોડ પર ફેંકવા માંડી
ઉત્તર પ્રદેશના આગરા પાસેના મહુઅર ગામના હાઇવેના કિનારે આવેલી દેશી અને અંગ્રેજી દારૂની દુકાનો પર પહોંચી ગયેલી લગભગ ૩૦-૪૦ મહિલાઓએ પહેલાં તો આ દુકાનોને તાત્કાલિક બંધ કરવાનું કહ્યું, પણ કોઈ તેમની વાત માન્યું નહીં એટલે મહિલાઓ દુકાનમાં ઘૂસી ગઈ અને અંદરથી બૉટલો કાઢીને રોડ પર ફેંકવા માંડી. તેમનું કહેવું હતું કે હાઇવે પર આસાનીથી દારૂ મળી જતો હોવાથી ગામના પુરુષો આએ દિન દારૂ ઢીંચીને ઘરે આવે છે અને ઝઘડા અને મારપીટ કરે છે. આ સમસ્યાનો અંત લાવવા તેમણે જ્યાં દારૂ મળે છે એ દુકાનોને જ નિશાન બનાવી હતી. તેમણે પહેલાં દારૂની બૉટલો તોડી અને પછી કૅશ-કાઉન્ટરમાં પડેલા પૈસા પણ બહાર ફેંકી દીધા હતા.
આ ઘટનાની જાણ થતાં તરત જ મહિલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે કેટલીક મહિલાઓને પકડી લીધી હતી. દારૂના દુકાનદારે કહ્યું હતું કે પ્રદર્શનકારી મહિલાઓએ ૩૬ પેટી દારૂ બરબાદ કરી દીધો હતો જેની કિંમત લગભગ સવા લાખ રૂપિયા થાય છે. દુકાનદારનો આરોપ હતો કે મહિલાઓએ કૅશ-કાઉન્ટરની પણ લૂંટ ચલાવી હતી. ઘટનાસ્થળે લાગેલા કૅમેરામાં જોવા મળ્યું હતું કે પ્રદર્શન કરતી મહિલાઓએ દારૂની બૉટલો અને ગલ્લામાંથી કૅશ કાઢીને રોડ પર ફેંકી દીધી હતી, જ્યારે રોડ પરથી બીજી કેટલીક મહિલાઓ નોટો લઈને ફરાર થઈ ગઈ હતી.