ભારતમાં ઈન્ટરનેટના વપરાશમાં મહિલાઓ પાછળ, માત્ર ૩૩ ટકા જ કરે છે વપરાશ

05 December, 2022 12:17 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રમાં ઈન્ટરનેટની પહોચ સૌથી વધુ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

આજના સમયમાં ઈન્ટરનેટ હવે બહુ જ સામાન્ય બાબત છે. બાળકથી માંડીને વૃધ્ધ સુધી લગભગ દરેકના હાથમાં ઈન્ટરનેટ વાળો ફોન હોય જ છે. ભારતમાં પણ મોટેભાગ બધા જ ઈન્ટરનેટનો વપરાશ કરતા જોવા મળે છે. જોકે, તાજેતરમાં જાહેર થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, ભારતમાં પુરુષો કરતા મહિલાઓ ઈન્ટરનેટનો વપરાશ બહુ ઓછો કરે છે. ઈન્ટરનેટના વપરાશમાં ભારતીય મહિલાઓ હજી પણ પાછળ છે.

એનજીઓ ઓક્સફેમ ઈન્ડિયા દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં ઈન્ટરનેટ વપરાશમાં મહિલાઓ હજુ પણ ઘણી પાછળ છે. ભારતમાં માત્ર એક તૃતીયાંશ ઈન્ટરનેટ યુઝર મહિલાઓ છે.

રવિવારે બહાર પાડવામાં આવેલા `ઇન્ડિયા ઇનઇક્વાલિટી રિપોર્ટ ૨૦૨૨ : ડિજિટલ ડિવાઇડ` અનુસાર ભારતીય મહિલાઓ પાસે મોબાઇલ ફોન રાખવાની શક્યતા ૧૫ ટકા ઓછી છે અને પુરુષો કરતાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓનો ઉપયોગ કરવાની શક્યતા 33 ટકા ઓછી છે. અભ્યાસમાં જણાવાયું છે કે, એશિયા-પેસિફિક ક્ષેત્રમાં, ભારત ૪૦.૪ ટકાના વ્યાપક તફાવત સાથે સૌથી ખરાબ પરિસ્થિતિમાં છે.

આ અહેવાલ ગ્રામીણ વિસ્તારમાં અને શહેરમાં ઈન્ટરનેટ વપરાશનો કેટલો તફાવત છે તે પણ દર્શાવે છે. વાર્ષિક ડિજિટલ વૃદ્ધિ ૧૩ ટકા નોંધાય છે. છતા શહેરની સરખામણીએ ૩૧ ટકા ગ્રામીણ વસ્તી જ ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. જ્યારે શહેરમાં ૬૭ ટકા વપરાશ થાય છે.

મહારાષ્ટ્રમાં ઈન્ટરનેટની પહોચ સૌથી વધુ છે. ત્યારબાદ ગોવા અને કેરળનો નંબર આવે છે. જ્યારે બિહારમાં ઈન્ટરનેટની પહોંચ સૌથી ઓછી છે. ત્યારબાદ છત્તીસગઢ અને ઝારખંડ છે.

એનએસએસ (૨૦૧૭-૧૮) મુજબ, કોઈપણ અભ્યાસક્રમમાં નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી માત્ર નવ ટકા વિદ્યાર્થીઓ પાસે ઈન્ટરનેટ સાથેના કોમ્પ્યુટરનું ઍક્સેસ હતું અને ૨૫ ટકા નોંધાયેલા વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારના ઉપકરણો દ્વારા ઈન્ટરનેટનું ઍક્સેસ ધરાવતા હતા.

national news india maharashtra goa bihar chhattisgarh jharkhand