ઍપલ પ્રોડક્શન માટે ચીનને બદલે હવે ભારત પસંદ કરશે?

23 May, 2022 11:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચીનમાં કોરોનાને ફેલાતો અટકાવવા માટેનાં આકરાં નિયંત્રણોથી આખરે ભારતને લાભ થઈ શકે છે.

એપલ આઈફોન

વૉશિંગ્ટન : ચીનમાં કોરોનાને ફેલાતો અટકાવવા માટેનાં આકરાં નિયંત્રણોથી આખરે ભારતને લાભ થઈ શકે છે. ઍપલે એના અનેક કૉન્ટ્રૅક્ટ મૅન્યુફૅક્ચરર્સને જણાવ્યું છે કે એ ચીનની બહાર ઉત્પાદન વધારવા ઇચ્છે છે, જેના માટે કોરોનાને ફેલાતો અટકાવવા માટેનાં નિયંત્રણો સહિતનાં કારણો આપવામાં આવ્યાં છે. એક અમેરિકન મીડિયા રિપોર્ટ અનુસાર ઍપલ અત્યારે ચીનના વિકલ્પ તરીકે ભારત અને વિયેટનામ જેવા દેશોનો વિચાર કરી રહ્યું છે. અત્યારે ઍપલના વૈશ્વિક ઉત્પાદનમાં ભારત અને વિયેટનામનો હિસ્સો બહુ ઓછો છે.
સ્વતંત્ર કૉન્ટ્રૅક્ટર્સ ચીનમાં આઇફોન્સ, આઇપેડ્ઝ અને મેકબુક્સ કમ્પ્યુટર્સ જેવી ઍપલની ૯૦ ટકાથી વધારે પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે. નિરીક્ષકો અનુસાર ચીન પર ઍૅપલની નિર્ભરતાના કારણે એના માટે જોખમ છે, કેમ કે ચીનમાં સામ્યવાદી શાસન અને એના અને અમેરિકા વચ્ચે આર્થિક મોરચે ઘર્ષણ થઈ રહ્યું છે.
ઍપલના મૅન્યુફૅક્ચરિંગ પ્લાન્સ અનુસાર કંપની વધારે વસ્તી અને ઓછા ઉત્પાદનખર્ચના કારણે ચીનના વિકલ્પ તરીકે ભારતને જુએ છે.
ઍપલ ચીનમાં સ્થાનિક સરકારોની સાથે મળીને એ ખાતરી રાખવા માટે કામ કરી રહી છે કે એના કૉન્ટ્રૅક્ટર્સને એના વિશાળ પ્લાન્ટ્સમાં આઇફોન્સ અને અન્ય ડિવાઇસિસને ઍસેમ્બલ કરવા માટે પૂરતા પ્રમાણમાં કર્મચારીઓ, જમીન અને સપ્લાય મળે.
ઍપલના સીઈઓ ટિમ કૂકે એપ્રિલમાં જણાવ્યું હતું કે ‘અમારી સપ્લાય ચેઇન ખરેખર વૈશ્વિક છે અને એટલે પ્રોડક્ટ્સ બધી જ જગ્યાએ બને છે. અમે બધી જ જગ્યાએ સ્થિતિ અને સંસાધનોનો સૌથી અસરકારક ઉપયોગ માટે સતત અને શક્ય એટલી કોશિશ કરી રહ્યા છીએ.’
૨૦૨૦ની શરૂઆતમાં દુનિયાભરમાં કોરોનાની મહામારી ફેલાઈ એના પહેલાં ઍપલ ચીનની બહાર બીજા દેશોમાં ઉત્પાદન વધારવા માટે કોશિશ કરી રહ્યું હતું, પરંતુ મહામારીએ એના પ્લાનને અવરોધ્યો હતો.

world news apple washington