યૂપીમાં ફઈ-ભત્રીજો ગઠબંધનની રાહ પર! કૉંગ્રેસને આપશે હાથતાળી?

06 January, 2019 03:49 PM IST  | 

યૂપીમાં ફઈ-ભત્રીજો ગઠબંધનની રાહ પર! કૉંગ્રેસને આપશે હાથતાળી?

બુઆ-ભતીજા આવશે સાથ સાથ?

આગામી લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની 80 બેઠકો પર બહુજન સમાજ પાર્ટી સાથે સમાજવાદી પાર્ટીએ ગઠબંધન કર્યું હોવાની ચર્ચા થઈ રહી છે. અહેવાલો પ્રમાણે ફઈ ભત્રીજાએ ગઠબંધન કરી અને કૉંગ્રેસને હાથતાળી આપવાની તૈયારી કરી લીધી છે. જો કે ગઠબંધનની વાત પર અખિલેશ યાદવે કહ્યું કે ગઠબંધન મામલે હું અત્યારે કાંઈ નહીં કહું. પરંતુ કૉંગ્રેસને સાથ આપવો કે નહીં તે મામલે હું અને માયાવતી મળીને નક્કી કરશું. અમે સાથે મળીને જોઈશું કે સહયોગ કેવી રીતે આપવાનો છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે શુક્રવારે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ અને બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતી વચ્ચે લાંબી બેઠક થઈ. સૂત્રો પ્રમાણે આ બેઠકમાં બંનેએ 71 બેઠકો પર સંમતિ દર્શાવી. સપા 35 બેઠકો પર, બસપા 36 બેઠકો પર લડશે જ્યારે બાકીની બેઠકો રાષ્ટ્રીય લોકદળને આપવાની અને બેઠકો અનામત રાખવાનું નક્કી થયું છે.

કૉંગ્રેસે ફગાવ્યો ગઠબંધનનો દાવો

સપા અને બસપા વચ્ચે ગઠબંધન થયું હોવાના દાવાને કૉંગ્રેસે ફગાવ્યો છે. ઉત્તર પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ રાજ બબ્બરે કહ્યું કે સપા કે બસપામાંથી કોઈએ પણ આ મામલે આધિકારીક રીતે એલાન નથી કર્યુ. સાથે તેમણે એવું પણ કહ્યું કે ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસ તમામ 80 બેઠકો પર લડવાની તૈયારી કરી લીધી છે.

CBI તપાસ પર ભડક્યા અખિલેશ

ઉત્તર પ્રદેશના IAS અધિકારીની થઈ રહેલી CBI તપાસ મામલે અખિલેશ યાદવે ભાજપ પર આકરા પ્રહાર કર્યા. સમાજવાદી પાર્ટીના સુપ્રીમોએ કહ્યું કે ઉત્તર પ્રદેશમાં ભાજપની સામે કોઈ પણ પ્રકારનું ગઠબંધન ટકી ન શકે એટલા માટે જ ભાજપ મારા પર CBIના દરોડા પડાવી રહી છે. સાથે જ અખિલેશે આ મામલે કૉંગ્રેસ પર પણ નિશાન સાધ્યું. અખિલેશે કહ્યું કે પહેલા UPAના કાર્યકાળમાં કૉંગ્રેસે CBI સાથે મુલાકાત કરાવી અને હવે ભાજપની સરકાર કરાવી રહી છે.

આ પણ વાંચોઃ મમતા બેનર્જી બની શકે છે પ્રથમ બંગાળી PM- પ. બંગાળ ભાજપ અધ્યક્ષ


લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય જોડતોડની વાતો સામે આવી રહી છે. રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસને સમર્થન આપ્યા બાદ હવે ઉત્તર પ્રદેશમાં પણ ગઠબંધનની શક્યતા હતી. પરંતુ હવે ચર્ચા છે કે ફઈ ભત્રીજો કૉંગ્રેસને સાથ આપવાના મૂડમાં નથી.



akhilesh yadav mayawati congress bharatiya janata party