શા માટે બૅન્ક-લૉકરમાં ચોરી કે નુકસાનના કેસમાં વાર્ષિક ભાડાની સોગણી રકમ વળતર તરીકે આપવામાં આવે છે?

02 April, 2026 07:32 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે લોકસભામાં પુછાયેલા પ્રશ્નના જવાબમાં સમજાવ્યું…

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ નુકસાન કે ચોરીના કિસ્સામાં બૅન્ક-લૉકર્સની વળતર-મર્યાદા લૉકરના વાર્ષિક ભાડાની ૧૦૦ગણી કેમ મર્યાદિત કરી છે એ વિશે સમજાવતાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે બૅન્કિંગ નિયમો બૅન્કોને ગ્રાહકો લૉકરમાં શું સ્ટોર કરે છે એ જોવાની અથવા રેકૉર્ડ કરવાની મંજૂરી આપતા નથી.

લોકસભામાં પ્રશ્નકાળ દરમ્યાન કૉન્ગ્રેસના નેતા અને ગડચિરોલી-ચિમુર મતવિસ્તારના સંસદસભ્ય નામદેવ દાસારામ કિરસન દ્વારા ઉઠાવવામાં આવેલા પૂરક પ્રશ્નનો જવાબ આપતાં નિર્મલા સીતારમણે કહ્યું હતું કે ‘લૉકરમાં કઈ કીમતી વસ્તુઓ રાખવાની છે એ અંગે ગ્રાહક દ્વારા જાહેર કરવામાં આવે અને એ જોવામાં આવે એ બૅન્કિંગ નિયમોનું ઉલ્લંઘન છે અને બૅન્કો એવું કરશે નહીં. તેથી એ મારા માટે નક્કી કરવાનો માપદંડ ન હોઈ શકે કે શું ડિફરન્શિયલ કવરેજ હોવું જોઈએ.’ 

આના પગલે નિર્મલા સીતારમણે સમજાવ્યું હતું કે ‘બૅન્કો લૉકરધારકોને નુકસાન થવાના કિસ્સામાં વાર્ષિક લૉકરના ભાડાનું સોગણું વળતર આપે છે. આ મર્યાદા અસ્તિત્વમાં છે, કારણ કે બૅન્કો લૉકરમાં રહેલી સામગ્રીને જાણતી નથી અથવા એનું મૂલ્યાંકન કરતી નથી અને ગ્રાહકોને કીમતી વસ્તુઓ જાહેર કરવાનું કહેવું બૅન્કિંગ પ્રાઇવસીનાં ધોરણોનું ઉલ્લંઘન કરશે. વસ્તુ મુજબ મૂલ્યાંકન અથવા વીમો શક્ય ન હોવાથી પ્રામાણિત વળતરનું માળખું લાગુ કરવામાં આવે છે.’

national news india reserve bank of india nirmala sitharaman finance news