25 July, 2026 10:12 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના વરિષ્ઠ નેતા પ્રહલાદ જોશીને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયમાં શિક્ષણ મંત્રીનું પદ સોંપવામાં આવ્યો છે. પૂર્વ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે આપેલ રાજીનામા બાદ તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે. પ્રહલાદ જોશી હાલમાં કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી અને નવી અને રીયુનવલ ઉર્જા મંત્રી તરીકે સેવા આપે છે. શિક્ષણ મંત્રાલયના પોર્ટફોલિયોના ઉમેરા સાથે, તેઓ હવે શાળા શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, રાષ્ટ્રીય સ્તરની પ્રવેશ પરીક્ષાઓ અને અનેક મુખ્ય શૈક્ષણિક સંસ્થાઓ સંબંધિત જવાબદારીઓનું પણ નિરીક્ષણ કરશે.
પ્રહલાદ જોશી પાસે બૅચલર ઓફ આર્ટ્સ (બીએ)ની ડિગ્રી છે. તેમણે હુબલીમાં કે. એસ. આર્ટ્સ કૉલેજ અને કર્ણાટકના ધારવાડમાં કર્ણાટક યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવ્યું છે. તેમની રાજકીય કારકિર્દીનો મોટાભાગનો સમય કર્ણાટકમાં વિત્યો છે. તેઓ 2004 થી સતત લોકસભામાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
પ્રહલાદ જોશી 2004 માં પહેલી વાર 14મી લોકસભામાં ચૂંટાયા હતા. ત્યારબાદ, તેમણે 2009, 2014, 2019 અને 2024 માં લોકસભા ચૂંટણી જીતીને સંસદમાં પ્રવેશ કર્યો. તેઓ સતત પાંચમા કાર્યકાળ માટે લોકસભા સાંસદ તરીકે સેવા આપી રહ્યા છે. સંસદીય રાજકારણ ઉપરાંત, તેમણે ભાજપ સંગઠનમાં ઘણી મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે. 1998 થી 2003 સુધી, તેમણે ભાજપના ધારવાડ જિલ્લા એકમના મહાસચિવ તરીકે સેવા આપી હતી. બાદમાં તેમને જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 2006 થી 2013 સુધી, તેમણે ભાજપના કર્ણાટક એકમના મહાસચિવ તરીકે કામ કર્યું. 2013 માં, તેમને કર્ણાટકમાં ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
પ્રહલાદ જોશી મે 2019 માં પહેલી વાર કેન્દ્રીય મંત્રીમંડળમાં જોડાયા. તે સમયે, તેમને સંસદીય બાબતો, કોલસો અને ખાણ જેવા વિભાગો સોંપવામાં આવ્યા હતા. 2024 ની લોકસભા ચૂંટણી પછી, તેમને ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય તેમજ નવી અને રીયુનવલ ઉર્જા મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી. સંસદમાં તેમના લાંબા કાર્યકાળ દરમિયાન, તેમણે ઘણી મહત્ત્વપૂર્ણ સંસદીય સમિતિઓના સભ્ય તરીકે સેવા આપી છે. આમાં પેટ્રોલિયમ અને નૅચરલ ગૅસ પરની સ્થાયી સમિતિઓ, રેલવે, પરિવહન, પર્યટન અને સંસ્કૃતિ અને રસાયણો અને ખાતરોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેમણે લોકસભાની સામાન્ય હેતુ સમિતિ, નીતિશાસ્ત્ર સમિતિ, વિશેષાધિકાર સમિતિ અને વ્યવસાય સલાહકાર સમિતિમાં જવાબદારીઓ નિભાવી છે. 16મી લોકસભા દરમિયાન, પ્રહલાદ જોશીએ પેટ્રોલિયમ અને કુદરતી ગૅસ પરની સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી. હવે, શિક્ષણ મંત્રાલયના વધારાના કાર્યભારની સોંપણી સાથે, પ્રહલાદ જોશીએ કેન્દ્ર સરકારમાં વધુ એક મહત્ત્વપૂર્ણ જવાબદારી સંભાળી છે.