પીએમની સુરક્ષામાં ચૂકની તપાસ કમિટીનાં હેડ એક્સ જજ ઇન્દુ મલ્હોત્રા ખરેખર કોણ છે?

13 January, 2022 11:12 AM IST  |  New Delhi | Agency

તપાસ કમિટી શક્ય એટલો વહેલો એનો રિપોર્ટ સુપરત કરશે.’ આ પહેલાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને પંજાબ સરકારને તેમની તપાસ સ્થગિત કરવાનો આદેશ આપ્યો હતો. 

ઇન્દુ મલ્હોત્રા

પંજાબમાં તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિઝિટ દરમ્યાન સુરક્ષામાં ચૂકની તપાસ માટે સુપ્રીમ કોર્ટે ગઈ કાલે પાંચ સભ્યોની એક કમિટીની નિમણૂક કરી છે, જેનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ ઇન્દુ મલ્હોત્રા કરશે. 
ચીફ જસ્ટિસ એન.વી. રમન્નાના નેતૃત્વવાળી બેન્ચે નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના ઇન્સ્પેક્ટર જનરલ, ચંડીગઢના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ, પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટના રજિસ્ટ્રાર જનરલ તેમ જ પંજાબના ઍડિશનલ ડીજીપી (સિક્યૉરિટી)ની જસ્ટિસ મલ્હોત્રા કમિટીના સભ્યો તરીકે નિમણૂક કરી છે. અદાલતે વડા પ્રધાનની પાંચમી જાન્યુઆરીની વિઝિટ માટે પંજાબ સરકાર દ્વારા કરવામાં આવેલી સુરક્ષાવ્યવસ્થાને સંબંધિત જપ્ત કરવામાં આવેલા તમામ દસ્તાવેજો કમિટીના વડાને પૂરા પાડવા પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટના રજિસ્ટ્રાર જનરલને આદેશ આપ્યો હતો. આ બેન્ચમાં જસ્ટિસ સૂર્યકાંત અને હિમા કોહલી પણ સામેલ હતાં. નોંધપાત્ર છે કે પાંચમી જાન્યુઆરીએ ફિરોઝપુરમાં દેખાવકારોએ રસ્તો બ્લૉક કરતાં વડા પ્રધાનનો કાફલો ફ્લાયઓવર પર ફસાયો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ‘આ સવાલોને કોઈ એકતરફી તપાસ માટે ન છોડી શકાય. સ્વતંત્ર તપાસની જરૂર છે. તપાસ કમિટી શક્ય એટલો વહેલો એનો રિપોર્ટ સુપરત કરશે.’ આ પહેલાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને પંજાબ સરકારને તેમની તપાસ સ્થગિત કરવાનો આદેશ આપ્યો હતો. 
ભૂતપૂર્વ જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રા બાર કાઉન્સિલમાંથી સીધાં જ સુપ્રીમ કોર્ટની બેન્ચમાં નિમણૂક પામનાર પ્રથમ મહિલા જજ હતાં. તેઓ આઝાદીથી અત્યાર સુધી ભારતમાં સુપ્રીમ કોર્ટનાં જજ તરીકે નિમણૂક પામનાર અન્ય ૬ મહિલાની હરોળમાં સામેલ થયાં હતાં. તેઓ એપ્રિલ ૨૦૧૮થી માર્ચ ૨૦૨૧ દરમ્યાન સુપ્રીમ કોર્ટનાં જજ હતાં. 
બૅન્ગલોરમાં જન્મેલાં મલ્હોત્રાએ નવી દિલ્હીની લેડી શ્રીરામ કૉલેજમાંથી બીએ કર્યું છે. તેઓ જાણીતા ઍડ્વોકેટ, સ્વર્ગસ્થ ઓમપ્રકાશ મલ્હોત્રાનાં દીકરી છે.
 તેઓ ૧૯૮૩માં દિલ્હીના બાર કાઉન્સિલમાં એનરોલ થયાં હતાં. ૧૯૮૮માં સુપ્રીમ કોર્ટમાં ઍડ્વોકેટ ઑન-રેકૉર્ડ તરીકે ક્વૉલિફાય થયાં 
હતાં. 

આ મહત્ત્વના ચુકાદા આપવાની પ્રક્રિયામાં ઇન્દુ મલ્હોત્રા સામેલ હતાં.

૧. સજાતીય સંબંધો
ઇન્દુ મલ્હોત્રા સજાતીય સંબંધોના મામલે ચુકાદો આપનારી બેન્ચનો પણ ભાગ હતાં. સુપ્રીમ કોર્ટે પરસ્પર સંમતિથી બે પુખ્ત વયની વ્યક્તિઓ વચ્ચેના સજાતીય સંબંધોને અપરાધ ગણાવતી કલમને નાબૂદ કરી હતી.
૨. સબરીમાલા મંદિર
કેરલાના સબરીમાલા મંદિરમાં મહિલાઓની એન્ટ્રીને લઈને સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેન્ચે ૪:૧ની બહુમતીથી ચુકાદો આપતાં તમામ ઉંમરની મહિલાઓને મંદિરમાં પ્રવેશની મંજૂરી આપી હતી. જોકે આ મામલે તત્કાલીન જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાએ પોતાના સાથી ચાર જજોથી અલગ સ્ટૅન્ડ લીધું હતું. તેમણે લગભગ ૮૦૦૦ વર્ષ જૂના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને મંજૂરી આપવાના નિર્ણય પર અસંમતિ વ્યક્ત કરી હતી. 
૩. રંજન ગોગોઈ વિરુદ્ધના આરોપો
ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા રંજન ગોગોઈ વિરુદ્ધના સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટના આરોપોની તપાસ માટે બનેલી કમિટીમાં ઇન્દુ મલ્હોત્રા સામેલ હતાં. જુનિયર કોર્ટમાં અસિસ્ટન્ટ તરીકે કામ કરનારી સુપ્રીમ કોર્ટની એક સ્ટાફ-મેમ્બરે આરોપ મૂક્યો હતો કે ગોગોઈએ તેમનું શારીરિક શોષણ કર્યું હતું.

national news supreme court