કોવિડ-19ની વૅક્સિન માટે હજી આટલો સમય રાહ જોવી પડશે

04 October, 2020 04:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોવિડ-19ની વૅક્સિન માટે હજી આટલો સમય રાહ જોવી પડશે

પ્રતીકાત્મક તસવીર

દેશમાં કોવિડ-19ના કેસમાં સતત વધારો જ થઈ રહ્યો છે. ભારત સહિત વિશ્વમાં કોરોનાનો અંત દેખાઈ જ નથી રહ્યો એવામાં અત્યારસુધીમાં આ સંબંધિત એક સકારાત્મક સમાચાર આવ્યા છે.

આરોગ્ય પ્રધાન ડૉ.હર્ષવર્ધન સિંહે કહ્યું કે, સરકાર જુલાઈ 2021 સુધીમાં દેશના 25 કરોડ લોકોને વૅક્સિન ઉપલબ્ધ કરાવશે. સરકાર 400થી 500 મિલિયન ડોઝ પ્રાપ્ત કરશે જેમાંથી પ્રથમ 25 કરોડ ડોઝ આવતા વર્ષે જુલાઈ સુધીમાં પ્રદાન કરવાનો લક્ષ્ય છે.

તેમણે ઉમેર્યું કે, સરકાર એ વાત સુનિશ્ચિત કરી રહી છે કે વૅક્સિન ડેવલપ થાય એ પછી તેનુ વિતરણ સમાન ધોરણે થાય. પ્રાથમિકતા એ જ છે કે કઈ રીતે દેશના નાગરિકોને નિશ્ચિતપણે વૅક્સિન મળે. દરેક પાસાઓનું અવલોકન કરીને એક યોજના તૈયાર કરવામાં આવશે જેના ઉપર કામ થશે. અમારો અનુમાન છે કે જુલાઈ 2021 સુધીમાં 25 કરોડ લોકોને વૅક્સિનનો ડોઝ મળશે.

દેશમાં વિવિધ સ્તરે કોવિડ-19 વૅક્સિનના ટ્રાયલ ચાલુ છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા બનાવવામાં આવેલી વૅક્સિન ત્રીજા તબક્કામાં છે.

ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 65 લાખને પાર થઈ ગઈ છે. જ્યારે કોરોનાને લીધે મૃત્યુ પામનારાઓની સંખ્યા એક લાખને પાર થઈ ગઈ છે. રવિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 75,829 નવા કેસ નોંધાયા છે અને 940 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 65,49,374 કેસ થઈ ગયા છે. જેમાંથી 9,37,625 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 55,09,967 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. તેમાંથી છેલ્લા ચોવીસ કલાકમાં 82,860 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધીમાં કુલ 1,01,782 લોકો મૃત્યુ પામ્યા છે. દેશમાં સાજા થવાનો દર 83.8 ટકા પર પહોંચ્યો છે. દેશમાં કોરોનાથી મોત થવાનું પ્રમાણ 1.6 ટકા છે. જ્યારે પૉઝિટિવ કેસની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં બીજા નંબર પર છે.

covid19 coronavirus national news