બંગાળમાં બીજા તબક્કામાં ૮૦ અને આસામમાં ૭૩ ટકા મતદાન

02 April, 2021 04:40 PM IST  |  Guwahati | Gujarati Mid-day Correspondent

નંદીગ્રામના કમલપુર નજીક બીજેપીના ઉમેદવાર સુવેન્દુ અધિકારીના કાફલા પર હુમલો: ચૂંટણીના દિવસે રૅલી કઈ રીતે કરી શકે છે મોદી?: મમતા

રાજ્યના સૌથી વધુ રસાકસીવાળા નંદીગ્રામ મતવિસ્તારમાં એક મતદાન મથક પર ગઈ કાલે સવારથી લાંબી લાઇન હતી. આ બેઠક પર મમતા બૅનરજી અને ભાજપના સુવેન્દુ અધિકારી વચ્ચે હરીફાઈ થશે. (તસવીર: પી.ટી.આઇ.)

પશ્ચિમ બંગાળ અને આસામની કુલ મળીને ૬૯ બેઠકો પર ગુરુવારે બીજા તબક્કાની ચૂંટણી માટે મતદાન થયું હતું. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ પશ્ચિમ બંગાળમાં ૮૦.૪૩ ટકા અને આસામમાં ૭૩.૦૩ ટકા મતદાન નોંધાયું હતું. આ દરમિયાન નંદીગ્રામના એક મતદાન કેન્દ્ર પર ભારે હોબાળો થયો હતો. અહીં ટીએમસીના કાર્યકરોનો આરોપ હતો કે તેમને મતદાન કરવા માટે નથી જવા દેવામાં આવી રહ્યા. મમતાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ પર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે વડા પ્રધાન મોદી ચૂંટણીના દિવસે બંગાળમાં ચૂંટણીપ્રચાર કઈ રીતે કરી શકે છે?

આ દરમિયાન મુખ્ય પ્રધાન મમતા બૅનરજી અચાનક બોયા ગામના મતદાન કેન્દ્ર પર પહોંચ્યાં હતાં. મમતા વ્હીલચૅર પર ત્યાં પહોંચ્યાં હતાં અને લોકો સાથે વાત પણ કરી હતી. મમતાએ કહ્યું કે ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો વાતાવરણ ખરાબ કરી રહ્યા છે. બહારના ગુંડા મતદાનને પ્રભાવિત કરી રહ્યા છે. ચૂંટણી પંચને અનેક વખત ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. તેમણે રાજ્યપાલને આ મામલે દખલ કરવા વાત કરી હતી અને ફરિયાદ નહીં સાંભળવામાં આવે તો અદાલતમાં જવાની તેમણે ધમકી આપી હતી. નંદીગ્રામના કમલપુર નજીક બીજેપીના ઉમેદવાર શુભેન્દુ અધિકારીના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હોવાના પણ અહેવાલ હતા.

બંગાળમાં કુલ આઠ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે. આગામી છ તબક્કા વધુ રસાકસીભર્યા બની રહેશે.

અમારી ફરિયાદોને અવગણશો તો અદાલતમાં જઈશું: ચૂંટણી પંચને મમતા બૅનરજીની ગર્ભિત ચીમકી

ચૂંટણી સંબંધી ફરિયાદો તરફ જો ચૂંટણી પંચનું તંત્ર બેદરકાર રહે તો એ બાબતોમાં અદાલતમાં અરજી કરવાની ચીમકી મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કૉન્ગ્રેસનાં પ્રમુખ મમતા બેનરજીએ આપી હતી. નંદીગ્રામ મતવિસ્તારમાં હિંસાના છૂટક બનાવો અને મતદાનમાં ગોલમાલની ફરિયાદો છતાં મમતા બેનરજીએ તેમના વિજયનો આત્મ વિશ્વાસ દર્શાવ્યો હતો. દોઢ દાયકા પૂર્વે પશ્ચિમ બંગાળમાં ડાબેરી મોરચાની સરકારના નંદીગ્રામમાં રસાયણોના ઉત્પાદનનું મથક સ્થાપવાના નિર્ણયના વિરોધમાં મમતા બેનરજીએ ખેડૂતોની આગેવાની લઈને આંદોલન કર્યું હતું. પહેલા અને બીજા તબક્કામાં જે ૬૦ બેઠકો પર મતદાન યોજાયું તેમાંથી મોટા ભાગની બેઠકો જીતવાનો આત્મ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આસામને ફરી ઠગવા નીકળી છે કૉન્ગ્રેસ: મોદીના આકરા પ્રહાર

પીએમ મોદીએ કોકરાઝારમાં એક જનસભાને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, આખું ભારત જાણે છે કે અહીંના નવયુવાનમાં ફુટબૉલની રમત ઘણી ફેમસ છે. તેમની ભાષામાં કહું તો કૉન્ગ્રેસ અને તેમના મહાજૂઠને ફરી રેડ કાર્ડ બતાવવામાં આવ્યું છે. આસામનો વિકાસ, શાંતિ અને સુરક્ષા માટે આસામના લોકોનો વિશ્વાસ એનડીએ પર છે. આસામની સંસ્કૃતિને નષ્ટ કરવાનું સ્વપ્ન જોઈ રહેલા મહાજૂઠ બોખલાઈ રહ્યા છે.

પીએમ મોદીએ કહ્યું કે આ ચૂંટણી મહાજોતનું મહાજૂઠ અને ડબલ એન્જિનના મહાવિકાસ વચ્ચે છે. કૉન્ગ્રેસે અમારા સૂત્ર, અમારા નામઘરોનો ગેરકાયદે કબજો ગિરોહના હવાલે કર્યો, એનડીએએ તેમને મુક્ત કર્યા. કૉન્ગ્રેસે બરાક, બ્રહ્મપુત્ર, પહાડ, મેદાન બધાને ભડકાવ્યા, એનડીએએ તેમને વિકાસના સેતુથી જોડ્યા છે. કૉન્ગ્રેસે ટી ગાર્ડનમાં કામ કરનારા સાથીઓને ક્યારેય પૂછ્યું પણ નથી. આ એનડીએની સરકાર જ છે જેમણે ટી ગાર્ડન્સમાં કામ કરનારા મજૂર ભાઈ-બહેનોની દરેક ચિંતાના સમાધાનનો પ્રયાસ કર્યો છે.

national news west bengal assam guwahati