દિલ્હીમાં વીકએન્ડ કર્ફ્યુ નાબૂદ, દુકાનો પરથી ઓડ-ઇવન નિયમ હટાવાયો, જાણો વિગત

27 January, 2022 03:35 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

રાજ્યમાં રાત્રિ કર્ફ્યુ ચાલુ રહેશે. રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે.

ફાઇલ તસવીર

દિલ્હીમાં વીકેન્ડ કર્ફ્યુ હટાવવામાં આવ્યો છે. આજે યોજાયેલી દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA)ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે અને થોડા સમય પછી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. નોંધનીય છે કે બેઠકમાં દિલ્હીમાં કોરોનાના ઘટતા કેસ બાદ ઓડ-ઇવન રીતે દુકાનો ખોલવાનો નિર્ણય પણ નાબૂદ કરવામાં આવ્યો છે. જોકે, રાજ્યમાં રાત્રિ કર્ફ્યુ ચાલુ રહેશે. રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે.

મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલને રાજ્યમાંથી વીકએન્ડ કર્ફ્યુ હટાવવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો. જોકે, દિલ્હીમાં છતાં કડક નિયંત્રણો ચાલુ રહેશે. મેરેજ હોલમાં 50 ટકા ક્ષમતા સાથે પરવાનગી આપવામાં આવશે. વધુમાં વધુ 200 લોકોને મંજૂરી આપવામાં આવશે. 50 ટકા ક્ષમતા સાથે બાર અને રેસ્ટોરાં ખોલી શકાશે.

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું હતું કે “રાજ્યમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે. તેમણે કહ્યું હતું કે આજે દિલ્હીમાં 5 હજારથી ઓછા કેસ આવશે. આ સિવાય રાજ્યમાં કોરોના સંક્રમણનો દર 10 ટકાથી ઓછો રહેશે.”

કોરોનાને કારણે લગ્ન સમારોહમાં માત્ર 20 લોકોને જ મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ DDMAએ લગ્નમાં આવનાર મહેમાનોની સંખ્યામાં છૂટછાટ જાહેર કરી છે. હવે લગ્નમાં વધુમાં વધુ 200 મહેમાનો હાજર રહી શકશે.

national news delhi new delhi arvind kejriwal coronavirus