આગામી પાંચ દિવસ બાદ અમુક રાજ્યોમાં વરસાદની આગાહી કરતો હવામાન વિભાગ

04 June, 2019 10:48 AM IST  |  દિલ્હી

આગામી પાંચ દિવસ બાદ અમુક રાજ્યોમાં વરસાદની આગાહી કરતો હવામાન વિભાગ

ધોમધખતા સૂરજે તો લોકોની હાલત ખરાબ કરી દીધી છે. ઘર હોય કે બહાર, ક્યાંય પણ જાઓ ભલભલાને પરસેવો વહી જાય છે. પંખો તો દૂર આ ભયંકર ગરમીમાં એસી સુધ્ધાં ફેલ થઈ ગયાં છે. છેલ્લા કેટલાક દિવસથી એટલી ગરમી પડી રહી છે કે હજી પણ કોઈ રાહતના સમાચાર દેખાતા નથી. હવામાન વિભાગનું માનીએ તો આવતા પાંચ દિવસ સુધી ઉત્તર પãમી ભારતમાં વરસાદ ખૂબ જ ઓછો છે. અલગ-અલગ વિસ્તારોમાં ક્યાંક આંધી તો ક્યાંક ગરમ પવન ફૂંકાતો રહેશે. પરંતુ ૫ દિવસ બાદ ૮થી ૧૦ જૂનની વચ્ચે વરસાદ પડી શકે છે.

આવતા પાંચ દિવસમાં ગરમીથી રાહત મળવાની કોઈ ખાસ આશા જ નથી. હવામાન વિભાગના મતે ઉત્તર પશ્ચિમી ભારત (ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી)માં તાપમાન આવતા ૩-૪ દિવસ સુધીમાં હજી ૨-૪ ડિગ્રી સુધી વધી શકે છે. તો દક્ષિણ પ્રાયાદ્વીપમાં તાપમાન સામાન્ય કરતાં ૨-૩ ડિગ્રી ઉપર રહેશે. ઊંચા તાપમાનમાં પણ આવતા ૨-૩ દિવસ સુધી કોઈ રાહત મળવાની આશા નથી.

ભારતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી કેરળથી ૬ જૂન સુધીમાં થવાની છે. ત્યાર બાદ ૮ તારીખે પશ્ચિમ બંગાળ, ઓડિશા, કર્ણાટકના કેટલાક ભાગમાં અને કેરળમાં સારા પ્રમાણમાં વરસાદની શક્યતા છે. જોકે દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિતનાં રાજ્યોમાં વાતાવરણ સૂકું રહે એવી શક્યતા છે.

આ પણ વાંચોઃ સૂર્યપ્રકોપ: વિશ્વનાં સૌથી ૧૫ ગરમ સ્થળોમાં ૮ ભારતમાં

દિલ્હી, હરિયાણાના ચંડીગઢના કોઈ વિસ્તારમાં આગામી ૫ દિવસમાં વરસાદ થવાની શક્યતા ધરાવતી કૅટેગરીમાં રાખવામાં આવ્યા છે. એનો અર્થ એ છે કે આ જગ્યાઓ પર વરસાદ થવાની શક્યતા ૨૫ ટકા કરતાં પણ ઓછી છે. આખા ઉત્તર પ્રદેશને પણ પાંચ દિવસ માટે આ કૅટેગરીમાં જ રાખવામાં આવ્યું છે. રાજસ્થાન અને મધ્ય પ્રદેશની વાત કરવામાં આવે તો ત્યાં પણ આગામી ૫ દિવસમાં વરસાદ થવાની શક્યતા નહીંવત્ છે. કંઈક આવી જ સ્થિતિ ગુજરાતની છે.

gujarat national news