વાવાઝોડાની શક્યતાને લઈને ગુજરાત, મહારાષ્ટ્રમાં સાવચેતીનાં પગલાં

01 June, 2020 04:00 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

વાવાઝોડાની શક્યતાને લઈને ગુજરાત, મહારાષ્ટ્રમાં સાવચેતીનાં પગલાં

વાવાઝોડું અને ગુજરાત, મહારાષ્ટ્ર સરકાર

હવામાન વિભાગની ચેતવણી મુજબ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વાવાઝોડાની શક્યતા છે. આ અંગે રેડ અલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. હવામાન વિભાગે એ પણ જણાવ્યું છે કે ચોમાસાનું ભારતમાં આગમન થઈ ગયું છે અને કેરળમાં ચોમાસાએ દસ્તક આપી છે. આ વાવાઝોડું 3-4 જૂનના રોજ ગુજરાત-મહારાષ્ટ્રમાં પોતાનો પ્રકોપ બતાડી શકે છે.

હવામાન વિભાગની આ આગાહી અંતર્ગત ગુજરાત સરકારે મુખ્યમંત્રીની બેઠકનું આયોજન કર્યું. વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા NDRFની ટીમને પણ સૂચનો આપવામાં આવ્યા છે. નોંધનીય છે કે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા સિવાય અમરેલી-ભાવનગર જિલ્લામાં પણ હાઇ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 10 એનડીઆરએફની ટીમ સ્ટેન્ડબાય માટે તૈયાર કરી દેવામાં આવી છે સાથે જ નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતરિત કરવાની સૂચના અપાઈ છે.

ઉલ્લેખનીય છે કે આજથી ગુજરાત સચિવાલયમાં સરકારી કાર્યો શરૂ થવાની સાથે જ વાવાઝોડાની આગાહી મળતા પહેલા જ દિવસે સરકારે વાવાઝોડાની સંભાવના સામે યોગ્ય પગલાં લેવા તૈયારી શરૂ કરી દીધી છે. મુખ્યમંત્રીએ વાવાઝોડાની અસર અને તૈયારીઓ વિશે વાત કરતા જણાવ્યું કે આજે હાઇ પાવર બેઠક થઈ. જેમાં સંભવિત અસરગ્રસ્ત જિલ્લાના કલેક્ટરો પણ જોડાયા હતા. અને તે જિલ્લાઓમાં હાઇ અલર્ટ પણ અપાયું છે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છના અન્ય જિલ્લાઓ પણ અલર્ટ પર છે.

ગુજરાત પર હિકા વાવાઝોડાનું સંકટ, જખૌ મત્સ્ય બંદરે લેવાયાં તકેદારીનાં પગલાં

ગુજરાત પર હિકા વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. ભારત માથે જાણે કુદરત રૂઠી હોય એવું લાગી રહ્યું છે. કોરોના સંકટ બાદ પશ્ચિમ બંગાળ અને ઓડિશાને અમ્ફાન નામના વાવાઝોડાએ ધમરોળ્યાં હતાં. ત્યાં ફરી એક વાર ગુજરાતના કાંઠે અરબી સમુદ્રમાં નવું તોફાન સરજાઈ રહ્યું હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ વાવાઝોડું ૩-૪ જૂન વચ્ચે ગુજરાતના દરિયાકાંઠે અથડાઈ શકે છે. જખૌ મત્સ્ય બંદરે તકેદારીનાં પગલાં લેવાયાં છે. દરિયામાં માછીમારી માટે ગયેલી ૧૦૦ બોટ પરત બોલાવવામાં આવી છે. બે મહિના સુધી માછીમારી પર પ્રતિબંધ મુકાયો છે.

આગામી ચોથી-પાંચમી જૂન દરમિયાન ગુજરાતનાં દ્વારકા, ઓખા, મોરબી અને કચ્છ તરફ વાવાઝોડું ફંટાય એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ તો ડિપ્રેશન છે, પરંતુ ધીરે- ધીરે એ વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરશે. દ્વારકા, કચ્છ, કંડલા સહિતના વિસ્તારોને ધમરોળીને રાજસ્થાન તરફ ફંટાઈ જશે. જોકે રાજસ્થાનમાં એની અસર નહીંવત્ રહેશે ત્યાં એ લગભગ વિખેરાઈને શાંત પડી જશે. આ આગાહી એક ખાનગી એજન્સી વ‌િન્ડી દ્વારા કરવામાં આવી છે.

જોકે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી એ અનુસાર ગુજરાતમાં વાવાઝોડું આવે એની શક્યતા નહીંવત્ છે. હવામાન વિભાગે આ વાતાવરણને ચોમાસા માટે ખૂબ જ સાનુકૂળ ગણાવ્યું છે. હવામાન વિભાગ અનુસાર અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય જરૂર થશે અને એ ડીપ ડિપ્રેશનમાં પણ ફેરવાશે, પરંતુ એના કારણે ચોમાસાને ખૂબ ફાયદો થશે. દરિયાકિનારાના વિસ્તારોમાં સમુદ્ર સામાન્ય તોફાની થઈ શકે છે, પરંતુ વાવાઝોડાની કોઈ જ શક્યતા નથી. ચોમાસું ગુજરાતમાં યોગ્ય સમયે અને ખૂબ જ સારી રીતે બેસવાનો સંકેત છે.

ગુજરાત સરકારે માર્કેટયાર્ડમાં વસ્તુઓ બગડે નહીં તે રીતે રાખવા આપ્યા સૂચનો
જ્યારે દેશ કોરોના વાયરસ મહામારી સામે સંઘર્ષ કરી રહ્યો છે ત્યારે કુદરતી આપત્તિ વાવાઝોડું આવવાની પણ શક્યતા છે. બન્નેની સમીક્ષા અને વ્યવસ્થાનો વિચાર કરીને માર્કેટયાર્ડોને ચીજવસ્તુઓનો બગાડ ન થાય તે અંગે સૂચનો આપવામાં આવ્યા છે.

national news gujarat maharashtra Vijay Rupani