ચંદીગઢ યુનિવર્સિટીનો વીડિયો બનાવનાર યુવતીને વોર્ડને લગાવી ફટકાર, વીડિયો થયો વાયરલ

19 September, 2022 03:01 PM IST  |  Chandigarh | Gujarati Mid-day Online Correspondent

વીડિયોમાં વોર્ડન આરોપી યુવતીને પૂછે છે કે તેણે કોના કહેવા પર વીડિયો બનાવ્યો છે

પ્રતીકાત્મક તસવીર

પંજાબના મોહાલી સ્થિત ચંદીગઢ યુનિવર્સિટી (Chandigarh University)ની હોસ્ટેલમાં નહાતી છોકરીઓનો વીડિયો બનાવવાનો આરોપ લગાવનાર યુવતીની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આરોપી યુવતી સિવાય બે વધુ યુવકોની ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે, જેમાં હોસ્ટેલ વોર્ડન આરોપી વિદ્યાર્થિનીને ઠપકો આપતો જોવા મળે છે.

આરોપી યુવતીની પૂછપરછ કરતાં વોર્ડનનો વીડિયો સામે આવ્યો

વીડિયોમાં નારાજ વોર્ડન હોસ્ટેલમાં આરોપી છોકરીને કહે છે કે, ``બેશરમ. તને વીડિયો બનાવવાનું કોણે કહ્યું હતું? આજે તને સસ્પેન્ડ કરી દેશે. તું કેટલું ગંદુ, ઘૃણાસ્પદ કામ કરે છે. તને કોઈ માન-શરમ નથી? શા માટે કરે છે? કોની સાથે કરે છે?”

વીડિયોમાં વોર્ડન આરોપી યુવતીને પૂછે છે કે તેણે કોના કહેવા પર વીડિયો બનાવ્યો છે. આરોપી છોકરી એક છોકરાનો ઉલ્લેખ કરીને કહે છે કે છોકરો શિમલાનો છે.

આરોપ છે કે વિદ્યાર્થિનીએ નહાતી વખતે તેની સાથે રહેતી 50-60 છોકરીઓની વીડિયો ક્લિપ રેકોર્ડ કરી હતી. તેણે તે વીડિયો શિમલાના એક છોકરાને મોકલ્યો હતો, જે આરોપી યુવતીનો બોયફ્રેન્ડ જણાવવામાં આવી રહ્યો છે. આ પછી છોકરાએ કથિત રીતે વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી.

આરોપી યુવતીએ કહ્યું- `માત્ર પોતાનો વીડિયો મોકલ્યો`

જો કે, પોલીસની પૂછપરછ દરમિયાન, આરોપી વિદ્યાર્થિનીએ જણાવ્યું છે કે તેણે માત્ર પોતાનો જ વીડિયો મોકલ્યો છે, અન્ય કોઈ વિદ્યાર્થીનો વીડિયો નથી બનાવ્યો, પરંતુ યુનિવર્સિટીના એક વિદ્યાર્થિનીનો દાવો છે કે આરોપી વિદ્યાર્થીએ 50-60 છોકરીઓનો વીડિયો રેકોર્ડ કર્યા છે.

યુનિવર્સિટી પ્રશાસન એ વાતને પણ સતત નકારી રહ્યું છે કે આરોપી એમબીએ ભણતી વિદ્યાર્થિનીએ અન્ય છોકરીઓનો વીડિયો બનાવ્યો હતો. આજતકના અહેવાલ મુજબ, પોલીસે અત્યાર સુધીમાં આરોપી યુવતી, તેના બોયફ્રેન્ડ અને તેના મિત્ર સહિત 3 લોકોની ધરપકડ કરી છે. આ મામલો 17 સપ્ટેમ્બરે સામે આવ્યો હતો. હોસ્ટેલની છોકરીઓએ આરોપ લગાવ્યો હતો કે એક વિદ્યાર્થિનીએ ઘણી છોકરીઓનો વીડિયો બનાવીને તેના બોયફ્રેન્ડને મોકલ્યો હતો.

આ પણ વાંચો: મોહાલી MMS લીક મામલો: શનિવાર સુધી બંધ કરવામાં આવી ચંડીગઢ યુનિવર્સિટી

national news chandigarh