લોકસભાની ચૂંટણી લડી શકે છે વિરેન્દ્ર સેહવાગ

04 February, 2019 03:58 PM IST  | 

લોકસભાની ચૂંટણી લડી શકે છે વિરેન્દ્ર સેહવાગ

વીરેન્દ્ર સેહવાગ

લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે, ત્યારે રાષ્ટ્રીય રાજકારણમાં ટિકિટોને લઈ વાટાઘાટો અને લોબિંગ શરૂ થઈ ચૂક્યુ છે. તો રાજકીય પક્ષો પણ પોતાને જીતાડી શકે તેવા ચહેરાની શોધમાં લાગ્યા છે. મળતી માહિતી મુજબ પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ રાજકારણમાં ઝંપલાવે તેવી શક્યતા છે.

ભારતીય ક્રિકેટ ટિમના ધુંવાધાર બેટ્સમેન રહેલ વીરેન્દ્ર સહેવાગ ટૂંક સમયમાં જ રાજકારણના મેદાનમાં નવી ઇનિંગની શરૂઆત કરી શકે છે. મળતી માહિતી મુજબ ભાજપ તેને હરિયાણાથી લોકસભા ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે. હરિયાણાની કોઈ એક લોકસભા બેઠક પરથી સેહવાગને ભાજપ ચૂંટણી લડાવી શકે છે. હરિયાણાની દસ લોકસભા સીટ માટે ભાજપે પૂરતું હોમવર્ક કરી લીધું છે. પ્રત્યેક લોકસભા ક્ષેત્ર માટે ઉમેદવારોની યાદી પણ તૈયાર કરી લેવાઈ છે.

આ પેનલમાં દરેક સીટ પર ચૂંટણી લડવા માટે ઈચ્છિત ત્રણથી છ દાવેદાર સામેલ છે. સૂફી ગાયક હંસરાજ હંસ, હિમાચલના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, પૂર્વ સેનાધ્યક્ષ જનરલ વી. કે. સિંહ અને ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ જેવા કેટલાય એવા નામ છે, જે લોકસભા ચૂંટણી લડવાની ચર્ચામાં છે.

ભાજપ પ્રભારી ડૉ. અનિલ જૈન, લોકસભા ચૂંટણી પ્રભારી કલરાજ મિશ્ર અને મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટરની હાજરીમાં થયેલી લોકસભા ચૂંટણી સમિતિની બેઠકમાં જો કે ઉમેદવારોના નામ પર ચર્ચા થઈ ચૂકી છે, પણ કાચી યાદીમાં સામેલ નામ પર ચર્ચા-વિચારણા પછી જ પાર્ટી અંતિમ નિર્ણય લેશે. હાલ બધાં જ ઉમેદવારોને પોતાના ક્ષેત્રે કામ કરવાના નિર્દેશો આપવામાં આવ્યા છે.

હરિયાણામાં લોકસભાની દસ સીટ છે. લોકસભા ચૂંટણી એપ્રિલ મહિનાના અંતમાં થવાની શક્યતા છે. બજેટ સત્ર પછી માર્ચના પહેલા અઠવાડિયાથી ચૂંટણીને લઈ માહોલ ગરમાશે. જેને કારણે પાર્ટી પૂર્ણ સક્રિયતાથી જીતી શકે તેવા ઉમેદવારોની શોધમાં છે. રાજ્યની સાત સીટ પર ભાજપ અને ત્રણ પર વિપક્ષનો કબજો છે. એવામાં ચાર સીટ એવી છે, જ્યાં પરિણામ બદલાઈ શકે છે.

આ પણ વાંચો : કોંગ્રેસને ચૂંટણી પહેલા જ દેવાંમાફીનો વિચાર આવે છે: કાશ્મીરમાં મોદી

વિપક્ષના ફાળે આવેલી રોહતક, હિસાર અને સિરસા લોકસભા સીટ પણ ભાજપના નિશાને છે. ગત લોકસભા ચૂંટણીમાં ભાજપ અને હરિયાણા જનહિત કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું હતું, પરંતુ વિધાનસભા ચૂંટણીમાં આ ગઠબંધન નહોતું ટકી શક્યું. હરિયાણા જનહિત કોંગ્રેસનો હવે કોંગ્રેસમાં વિલય થઈ ગયો છે.

national news virender sehwag