ભીના સિમેન્ટ ફ્લોર પરથી ચાલ્યો એટલે જજના સુરક્ષા ગાર્ડે શ્વાનની ગોળી મારી હત્યા કરી

19 December, 2025 08:53 PM IST  |  Prayagraj | Gujarati Mid-day Online Correspondent

પ્રાણી બચાવકર્તા વિદિત શર્માએ X પર આ વીડિયો શૅર કર્યો છે, અને આ કૃત્યને ‘એકદમ હૃદયદ્રાવક’ ગણાવ્યું છે અને તેને મૂંગા પ્રાણી સામે હિંસાનો સ્પષ્ટ કેસ ગણાવ્યો છે. તેમણે આ શ્વાનની નિર્દયતાથી હત્યા કરનાર સામે કડક કાર્યવાહીની માગ કરી છે.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના બેનીગંજ વિસ્તારમાં સુરક્ષા ગાર્ડે એક શ્વાનને મારી નાખ્યો હોવાની ચોંકાવનારી ઘટના બની છે. ન્યાયાધીશના નિવાસસ્થાને એક રખડતા કૂતરાને ગોળી મારીને મારી નાખવામાં આવ્યો છે કારણ કે શ્વાન નવા બનેલા સિમેન્ટ ફ્લોર પર ભૂલથી ચાલી ગયો હતો જેના લીધે સિમેન્ટની ફિનિશિંગને નુકસાન થયું. આ વાતથી ગુસ્સે થઈને સુરક્ષા ગાર્ડે શ્વાનને ગોળી મારી તેની હત્યા કરી. આ ઘટના સામે હવે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, અને આરોપીને સજા ફટકારવી જોઈએ એવી તીવ્ર માગણી કારવમાં આવી રહી છે.

અહીં જુઓ વાયરલ વીડિયો

આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર હવે વાયરલ થઈ રહ્યો છે, જેની પ્રાણી અધિકાર કાર્યકરો દ્વારા તીવ્ર ટીકા કરવામાં આવી છે અને કાર્યવાહીની માગણી કરી રહ્યા છે. વીડિયો ફૂટેજમાં, પોલીસ અથવા હોમગાર્ડનો યુનિફોર્મ પહેરેલો ગાર્ડ રખડતા કૂતરાનો પીછો કરી શ્વાન પર પર બંદૂક તાકી રહ્યો છે. વીડિયો રેકોર્ડ કરનાર વ્યક્તિ આ હત્યા કરવા માટે ગાર્ડને ઉશ્કેરવા માટે ‘તેને મારો મારો’ એમ પણ કહેતા સાંભળાઈ રહ્યો છે. થોડીવાર પછી, ગોળીબારનો અવાજ સંભળાય છે, જેના પછી આરોપી ગાર્ડ પુષ્ટિ કરે છે કે ગોળી કૂતરાને વાગી હતી અને તે મરી ગયો હતો.

પ્રાણી પ્રેમીઓનો આક્રોશ

પ્રાણી બચાવકર્તા વિદિત શર્માએ X પર આ વીડિયો શૅર કર્યો છે, અને આ કૃત્યને ‘એકદમ હૃદયદ્રાવક’ ગણાવ્યું છે અને તેને મૂંગા પ્રાણી સામે હિંસાનો સ્પષ્ટ કેસ ગણાવ્યો છે. તેમણે આ શ્વાનની નિર્દયતાથી હત્યા કરનાર સામે કડક કાર્યવાહીની માગ કરી છે. તેણે કહ્યું કૂતરાને મારવું એ સજાપાત્ર ગુનો છે અને જવાબદારોને જવાબદાર ઠેરવવા જોઈએ.

કડક કાર્યવાહી થાય તેવી માગણી

સોશિયલ મીડિયા પર ફરતા અન્ય એક વીડિયોમાં, એક પ્રાણી કાર્યકર્તાએ આરોપ લગાવ્યો છે કે અલ્હાબાદ હાઈ કોર્ટના ન્યાયાધીશ કૈલાશ નાથ સિંહાના નિવાસસ્થાને તહેનાત હોમગાર્ડ રાજેન્દ્ર પાંડે તરીકે ઓળખાતા સુરક્ષા રક્ષકે કૂતરાને ગોળી મારી દીધી હતી કારણ કે તેણે કથિત રીતે નવા બનેલા રસ્તા અથવા ફ્લોરનું ફિનિશિંગ બગાડ્યું હતું. શર્માએ વધુમાં દાવો કર્યો હતો કે જ્યારે તેણે આ મામલે FIR નોંધાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેને સ્થાનિક SHO દ્વારા ધમકી આપવામાં આવી હતી, અને કેસ ન દાખલ કરવા માટે ડરાવવામાં આવી હતી. જેથી હવે શું ન્યાયાધીશના ગાર્ડ સામે કાર્યવાહી થાય છે કે નહીં કે એક મૂંગા પ્રાણીને ભારતમાં ન્યાય તે ફક્ત સંવિધાનના કાગળ પર રહી ગયેલો કાયદો છે? તે અંગે લોકો પ્રશ્ન કરી રહ્યા છે.

રખડતા કૂતરા મામલે સુપ્રીમ કોર્ટનું કડક વલણઃ ‘અમે પૂછીશું કે માનવતા શું છે?’

સુપ્રીમ કોર્ટે ગુરુવારે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા કૂતરાઓના સંચાલન અંગે ઘડવામાં આવેલા નિયમો સામેના વાંધાઓની સુનાવણી મુલતવી રાખી હતી, જ્યારે કોર્ટે "અમાનવીય" વર્તનના દાવાઓનો કડક જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે તે આગામી સુનાવણીમાં માનવતા શું છે તે અંગે પ્રશ્ન ઉઠાવવા માટે એક વીડિયો ચલાવશે.

viral videos prayagraj uttar pradesh Crime News supreme court national news