કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગૃહપ્રધાન બૂટા સિંહનું નિધન

02 January, 2021 11:37 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગૃહપ્રધાન બૂટા સિંહનું નિધન

બૂટા સિંહ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગૃહપ્રધાન બૂટા સિંહ (Buta Singh)નું લાંબી બિમારી બાદ 86 વર્ષની વયે નિધન થયું છે. બૂટા સિંહે ગૃહ, કૃષિ, રેલવે, સ્પોર્ટ્સમંત્રી અને અન્ય કાર્યભાર ઉપરાંત બિહારના રાજ્યપાલ અને રાષ્ટ્રીય અનૂસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ તરીકે મહત્વપૂર્ણ વિભાગોનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમના નિધન અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને રાહુલ ગાંધી (Rahul Gandhi)એ શોક વ્યક્ત કર્યો છે.

21 માર્ચ, 1934ના રોજ પંજાબના જાલંધરના મુસ્તફાપુર ગામમાં જન્મેલા બૂટા 8 વખત લોકસભા માટે ચૂંટાયા હતા. 1977માં જનતા પાર્ટીની લહેરના કારણે કોંગ્રેસ ખરાબ રીતે હારી હતી. ત્યારપછી પાર્ટી વિભાજીત પણ થઈ ગઈ હતી. ત્યારે બૂટા સિંહે ઈન્દીરા ગાંધીના નેતૃત્વ વાળી કોંગ્રેસના એકમાત્ર રાષ્ટ્રીય મહાસચિવના રૂપમાં તનતોડ મહેનત પછી પાર્ટીને 1980માં ફરી સત્તામાં લાવવા માટે મહત્વની ભૂમિકા અદા કરી હતી.

બૂટા સિંહના નિધન અંગે દુ:ખ વ્યક્તર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે, ‘બૂટા સિંહજી એક અનુભવી પ્રશાસક હતા. ગરીબોના કલ્યાણ માટે તેમણે મજબૂતાઈથી અવાજ ઉઠાવ્યો હતો. તેમના નિધનથી દુઃખી છું. તેમના પરિવાર અને સમર્થકો સાથે મારી સંવેદનાઓ છે.’

કોંગ્રેસના રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કરતા ટ્વીટ કર્યું હતું કે, ‘સરદાર બૂટા સિંહ જીના અવસાનથી દેશએ એક સાચા લોકસેવક અને વફાદાર નેતા ગુમાવ્યા છે. તેમણે પોતાનું સમગ્ર જીવન દેશની સેવા અને લોકોની સુખાકારી માટે સમર્પિત કર્યું, જેના માટે તેઓ હંમેશા યાદ રહેશે. આ મુશ્કેલ સમયમાં તેમના પરિવાર પ્રત્યેની મારી સંવેદના.’

બૂટા સિંહના પરિવારમાં પત્ની, બે દીકરા અને દીકરી છે.

national news congress rahul gandhi narendra modi