વાડ્રાનું નિવેદન,'મારા બાળકોને અને પરિવારને પરેશાન કરાઈ રહ્યાં છે'

26 December, 2018 02:57 PM IST  | 

વાડ્રાનું નિવેદન,'મારા બાળકોને અને પરિવારને પરેશાન કરાઈ રહ્યાં છે'

રૉબર્ટ વાડ્રાએ કહ્યું કે,'મારા પર જુલમ થઈ રહ્યો છે. આ કારણે મારા બાળકો અને પરિવાર હેરાન થઈ રહ્યાં છે.'

પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ, જ્યાં એક બાજુ કૉંગ્રેસ ઉત્સાહિત છે, ત્યાં જ સોનિયા ગાંધીના જમાઈ રૉબર્ટ વાડ્રાએ કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ મૂક્યો છે. EDના દરોડા અંગે વાડ્રાએ કહ્યું કે, 'આ તો મારા પર ત્રાસ ગુજારવામાં આવે છે. આ બધાંને કારણે મારો પરિવાર અને મારા બાળકોને ઘણું સહન કરવું પડે છે. તેઓ હેરાન થઈ રહ્યાં છે. રૉબર્ટ વાડ્રાએ કહ્યું કે મારા પર લગાવવામાં આવેલાં બધાં આરોપ ખોટાં અને રાજકારણથી પ્રેરિત છે. અમે બધી નૉટિસોના જવાબ આપ્યા છે. આ જે બધું થઈ રહ્યું છે તેને કારણે મારા ફેમિલી પર અસર પડી છે. તેણે આગળ કહ્યું કે મારા ઘરને બરબાદ કરી દેવાયું છે. ઘરના તાળા તોડી નાખવામાં આવ્યા છે.'

રૉબર્ટ વાડ્રાએ કહ્યું કે, 'પૉલિટિકલ બ્લેકમેલિંગ માટે મારા નામનો ઉપયોગ નહીં થવા દઉં. હું કોઈ દેશ છોડીને ભાગી જતો નથી. હું તપાસમાં સહકાર આપવા તૈયાર છું પણ તપાસ નિષ્પક્ષ અને કાયદાકીય રીતે થવી જોઈએ. તેણે કહ્યું કે અમે કોઈનાથી ડરી જવાના નથી.'

ઉલ્લેખનીય છે કે EDએ સપ્ટેમ્બર, 2015માં રાજસ્થાનના બિકાનેરમાં જમીનના સોદાની બાબતે કેસ કરવામાં આવ્યો હતો. ED બિકાનેરમાં વિવાદિત જમીનના સોદાઓ અંગે તપાસ કરી રહી છે, જેમાં વાડ્રાની કંપનીઓ પણ શામેલ છે. વાડ્રાએ આ જમીન બિકાનેરના કોલાયત વિસ્તારમાં ખરીદી હતી, પણ પછીથી વેચી દીધી. રાજસ્થાન સરકારે આ સોદાને પહેલાં જ રદ કરી દીધો છે. આરોપ એ છે કે જમીન ખોટી રીતે કોઈ ખાનગી ક્ષેત્રને આપવામાં આવી છે.

rahul gandhi sonia gandhi congress robert vadra