વૅક્સિન ઉત્પાદકોએ વડા પ્રધાનના વિઝન તેમજ સરકાર અને ઇન્ડસ્ટ્રી વચ્ચેના અદ્ભુત સમન્વયની કરી પ્રશંસા

24 October, 2021 07:20 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કોરોના વૅક્સિનના ૧૦૦ કરોડ ડોઝની સિદ્ધિ નિર્માતાઓના અથાક પરિશ્રમને કારણે મળી,મોદીએ વૅક્સિન નિર્માતાઓનો માન્યો આભાર

નવી દિલ્હીમાં વૅક્સિન ઉત્પાદકો સાથેની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (તસવીર : પી.ટી.આઈ.)

દેશવાસીઓને ૧૦૦ કરોડ ડોઝ પૂરા પાડવાની સિદ્ધિ બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે કોવિડ વૅક્સિન ઉત્પાદકોના પ્રયત્નોની પ્રશંસા કરી હતી તેમ જ આ સફળતામાં તેમણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. ગઈ કાલે લોક કલ્યાણ માર્ગ પર ભારતીય વૅક્સિન ઉત્પાદકો સાથે વાત કરતાં મોદીએ એમના પરિશ્રમની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘મહામારી દરમ્યાન સમગ્ર વિશ્વની નજર ભારત પર હતી. ભવિષ્યના પડકારોને જોતાં વૅક્સિન નિર્માતાઓએ સાથે મળીને કામ કરવું જોઈએ.

બીજી તરફ વડા પ્રધાન મોદીના વિઝન તેમજ સરકાર અને ઇન્ડસ્ટ્રી વચ્ચેના સહકારની ઉત્પાદકોએ પ્રશંસા કરી હતી, જેમાં નિયમોમાં ફેરબદલ, વહીવટી સરળતા તેમ જ સમયસર મળનારી મંજૂરીઓએ પણ મહત્ત્વનો બાગ ભજવ્યો હતો. સિરમના આદર પુણાવાલાએ સરકારે નિયમોમાં કરેલા બદલાવની પ્રંશસા કરી હતી તો ભારત બાયોટેકના ડૉ. ક્રિષ્ણા એલાએ કોવૅક્સિન લેવા બદલ વડા પ્રધાનનો આભાર માન્યો હતો. યુએન જનરલ એસેમ્બલીમાં ડીએનએ પર આધારિત વૅક્સિનની વાત કરવા બદલ ઝાયડસ કૅડિલાના પકંજ પટેલે મોદીનો આભાર માન્યો હતો.

ક્ષમતા વધારવાને લઈને ચર્ચાઓ થઈ : પુનાવાલા

સીરમ ઇન્સ્ટિટયૂટ ઑફ ઇન્ડિયાના સીઈઓ અદાર પુનાવાલાએ કહ્યું હતું કે ગઈ કાલની વડા પ્રધાન સાથેની મીટિંગમાં વૅક્સિન નિર્માણની ક્ષમતા વધારવા માટે ચર્ચાઓ થઈ હતી. હવે ઘણા દેશો વૅક્સિન નિર્માણ માટે આગળ આવ્યા છે એ જોતા ભારતે તમામ કરતાં આગળ રહેવું પડશે. આ માટે ઇન્ડસ્ટ્રી અને સરકાર વચ્ચે વાતચીત થઈ હતી. વળી ભવિષ્યમાં આવનાર રોગચાળા સામે ટક્કર ઝીલવા માટે પણ ભારતે પોતાની ક્ષમતા વધારવી પડશે. 

coronavirus covid19 national news covid vaccine vaccination drive